એલસીબીની નોંધનીય કામગીરી : બેની ધરપકડ , અન્ય બેની શોધખોળ મોરબી : મોરબી નજીક એલસીબીની ટીમે 12 બોટલ દારૂ સાથે એક શખ્સને પકડ્યા બાદ તેની પાસેથી વિગતો ઓકાવીને મૂળ અડ્ડા સુધી પહોંચી હતી. જ્યાંથી 539 બોટલ દારૂ જપ્ત કર્યો હતો. આ સાથે કુલ 4 શખ્સ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે ફડસર ગામનો કાનજીભાઈ રાણાભાઈ ગોગરા 12 બોટલ વિદેશી દારૂ સાથે પીપળીયા ચાર રસ્તે આવનાર છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે તેને વીરપરડા ગામના પાટિયા પાસેથી ઝડપી લીધો હતો. વાળના તેની પૂછપરછ કરતા તેને આ દારૂનો જથ્થો ફડસર ગામના કરણભાઈ ભરતભાઇ કુંભારવાડીયાએ બળદેવભાઈ આણંદભાઈ જિલરીયાના રહેણાંક મકાનેથી આપેલ હોવાનું જણાવેલ હતું. જેથી કાનજીભાઈ રાણાભાઈ ગોગરાને સાથે રાખીને એલસીબીની ટીમે ફડસર ગામના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં 527 બોટલ વિદેશી દારૂ કિમત રૂ. 1,97,625 સાથે બળદેવભાઈ આણંદભાઈ જિલરીયાને પકડી પાડ્યા હતા. આમ આ કેસમાં કાનજીભાઈ રાણાભાઈ ગોગરા અને બળદેવભાઈ આણંદભાઈ જિલરીયાને ઝડપી પાડ્યા છે.જ્યારે આ ગુનામાં નામ ખૂલેલ ભરતભાઈ બચુભાઇ કુંભારવાડીયા અને કરણભાઈ ભરતભાઈ કુંભારવાડીયા સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ ચલાવવામાં આવી છે.