બેગુસરાઈની પાર્ટીને વિટ્રીફાઇડ ટાઇલ્સ મોકલવાને નામે અન્ય ફેકટરીમાંથી માલ લોડ કરાવી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા જેનું મોરબીમાં અસ્તિત્વ જ નથી તેવી સુન્ડુઝા સિરામિક નામની બોગસ ફેકટરી ખોલી કાંડ આચરાયો મોરબી : સિરામિક ક્લસ્ટર મોરબીની શાખને બટ્ટો લગાડવા કૌભાંડિયા તત્વો મેદાને આવ્યા છે અગાઉ બોગસ ટ્રેડર્સ હતા જેમાં વધારો થયો છે અને આજે એક ચોંકાવનારા કિસ્સામાં જે ફેક્ટરીનું અસ્તિત્વ જ નથી તેવી સુન્ડુઝા નામની બોગસ ફેકટરી અને વેબસાઈટ બનાવી બિહારની બેગુસરાઈની પાર્ટી સાથે માલ લોડ થઈ રહ્યો છે કહી લાખો રૂપિયા પડાવી લેવાતા હાલ મોરબીના સ્થાનિક ફેકટરી માલિકની મદદથી પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ચોંકાવનારી છેતરપિંડીની ઘટના અંગે ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ વિશ્વ પ્રસિદ્ધ મોરબીના સિરામિક ઉદ્યોગને હાલમાં દેશ અને વિદેશમાંથી ટાઇલ્સ અને સેનેટરીવેર્સ પ્રોડક્ટના પુષ્કળ ઓર્ડર મળી રહ્યા છે ત્યારે ભેજાબાજ કૌભાંડિયા પણ મેદાને પડ્યા છે અને ઓનલાઈન ખોટી કંપની બનાવી પોતાની વેબસાઈટ ડેવલોપ કરવાની સાથે ઇન્ડિયા માર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ પોતાની ફ્રોડ કંપનીની પ્રોફાઈલ ખોલી સિરામિક ગ્રાહકોને છેતરવા સુવ્યવસ્થિત નેટવર્ક ઉભું કર્યું છે. આજે આવા જ એક કિસ્સામાં ફ્રોડ કંપની સુન્ડુઝાના મનીષ પટેલે બિહાર બેગુસરાઈની પાર્ટીને વિટ્રીફાઇડ ટાઇલ્સ મોકલવાના નામે લાખો રૂપિયાનો ચૂનો ચોપડી બરાબરના ફસાવ્યા છે. બેગુસરાઈની ખરીદદાર પાર્ટી સાથે થયેલ છેતરપીંડી અંગે તેમના મિત્ર અને મોરબીની જાણીતી મિલેનિયમ સિરામિક ફેકટરીના મૌલિકભાઈ પટેલે મોરબી અપડેટને વિગતો આપતા જણાવ્યું હતું કે, બેગુસરાઈના રાજુભાઇ નામના ખરીદદારને સુન્ડુઝા કંપનીના નામે મેસેજ મોકલી મનીષ પટેલ નામની વ્યક્તિએ પોતે ટાઇલ્સનું ઉત્પાદન અને જુદા- જુદા દેશમાં એકસપોર્ટ કરે છે અને તમામ પ્રકારની તમામ સાઈઝમાં ટાઇલ્સ ઉપલબ્ધ છે તેવો દાવો કરી ઓર્ડર મેળવ્યો હતો. બાદમાં આ બેગુસરાઈના વેપારીએ આજે ટાઇલ્સ લોડિંગ કરવા ગાડી મોકલતા આ સાતિર દિમાગ ભેજાબાજ ફ્રોડ મનિષ પટેલે પરિસ્થિતિ ઉપર નજર રાખી હતી અને સતત ફોનથી કોન્ટેકટમાં રહી પોતે જોબ વર્કથી જારકો નામની ફેકટરીમાં ટાઇલ્સ બનાવે છે જેથી ટ્રકને જારકો સીરામિકમાં મોકલી ટ્રક લોડ કરાવવાનું શરૂ થતાં જ આ ચિટરે બેગુસરાઈની પાર્ટી પાસેથી લાખો રૂપિયાનું પેમેન્ટ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ત્યાંથી પોબારા ભણી ગયો હતો અને બાદમાં આ ચિટર મનીષ પટેલના બન્ને મોબાઈલ ફોન બંધ થઇ ગયા છે. બીજી તરફ બેગુસરાઈના રાજુભાઇ નામના વ્યક્તિની ટાઇલ્સ ટ્રકમાં લોડ થઈ ગયા બાદ હકીકતમાં જારકો સિરામિક ફેકટરીમાં પેમેન્ટને ન મળ્યું હોય ટ્રક ફેકટરી બહાર ન નીકળતા બેગુસરાઈના વેપારી છેતરાયા હોવાનું સાબિત થયું હતું. હાલમાં આ મામલે બેગુસરાઈના વેપારી રાજુભાઇ દ્વારા મિલેનિયમ સિરામિકના મૌલિકભાઈની મદદથી પોલીસ ફરિયાદ નોંધાવી છેતરપિંડી આચરનાર શખ્સો સામે પગલાં ભરવા તજવીજ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે આ ભેજાબાજ મનીષ પટેલે અગાઉ પણ આવા ચાર પાંચ શિકાર કર્યાનું સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રો જણાવી રહ્યા છે. દરમિયાન મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ આજની આ ઘટનાને લઈ જણાવ્યું હતું કે એસોશિએશન દ્વારા તમામ વેપારી મિત્રોને અવાર નવાર છેતરપિંડી અંગે હિન્દી અને ઈંગ્લીશ ભાષામાં વ્યક્તિગત ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે સૂચના આપવામાં આવી છે અને તાજેતરમાં જ ટ્રેડિંગ એસોશિએશન પ્રમુખ સાથે પણ મિટિંગ યોજી ફ્રોડ અટકાવવા માટે વેપારી ગ્રાહક મિત્રોને આવા ચિટરોથી ચેતવા જાગૃત કરવા જણાવાયું હતું ત્યારે આજના આ કિસ્સામાં પણ છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિ, પેઢી પોલીસ ફરિયાદ કરવા આગળ આવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. મોરબીના સિરામિક ટ્રેડર્સ માટે લાલબત્તીરૂપ આ કિસ્સામાં સિરામિક ટ્રેડર્સ એસોસીએશન પ્રમુખ કે.કે.પટેલે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બહારના વેપારી સસ્તાભાવે ટાઇલ્સ મેળવવાની લાલચમાં છેતરપિંડીનો ભોગ બને છે ત્યારે છેતરપિંડીના આવા કિસ્સાથી મોરબીના વ્યાપારને ભવિષ્યમાં મોટું નુકશાન પહોંચે તેમ હોય તમામ ટ્રેડર્સ પોતાના કલાઇન્ટને આવા ફ્રોડના જાસ્સામાં ન ફસાવવા ચોક્કસ પણે જાગૃત કરશે સાથો - સાથ આગામી સમયમાં મોરબીના તમામ ટ્રેડર્સની વિગતો દેશ - દુનિયાના ગ્રાહકો આંગળીના ટેરવે ઓનલાઈન મેળવી શકે તે માટે પણ પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું.