મોરબી : અમદાવાદ સહિતના મોટા શહેરોમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ સરકાર ગંભીર બનીને હોસ્પિટલ, શાળાઓ સહિતના જાહેર સ્થળોએ ફાયર સફેટીના સાધનોનો ફરજિયાત અમલ કરવા માટેના પ્રયાસો આદર્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં પ્રથમ વખત સરકારી-ખાનગી હોસ્પિટલો, શાળાઓ અને કોચિંગ ક્લાસિસોને ફાયરના એનઓસી મળી રહે તે માટે આવતીકાલે શનિવારે મોરબી નગરપાલિકા ખાતે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ સંસ્થાઓને જરૂરી પુરાવા સાથે હાજર રહેવા તાકીદ કરાઈ છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાની મોરબી પાલીકા, માળીયા પાલિકા, હળવદ પાલીકા અને વાંકાનેર પાલિકા વિસ્તારોની સરકારી-ખાનગી હોસ્પિટલો, સ્કૂલો, કોચિંગ ક્લાસિસો માટે આવતીકાલે તા.27 ના રોજ સવારે 11 વાગ્યે મોરબી પાલિકાના ટાઉનહોલ ખાતે ફાયર એનઓસી મેળવવા અંગે કેમ્પ યોજાશે. જેમાં અગ્નિશામક યંગની સિસ્ટમ લગાવી હોય તેવી હોસ્પિટલો, સ્કૂલો અને કોચિંગ ક્લાસીસોએ અરજી, ફિક્સ ફાયર ફાઇટિંગ સિસ્ટમનો એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ રૂ.300 ના સ્ટેમ્પ પેપર નોટરી સાથે, બાંહેધરી પત્રક નોટરી સાથે, ફાયરના સાધનોનો રિફીલિંગ, ખરીદી બીલની રકમ, ઇલેટ્રીકલ ટેસ્ટ સર્ટી, લિફ્ટ લાયસન્સ, વિકાસ પરવાનગી, ઇમારતનો સક્ષમ સતા દ્વારા મજૂર પ્લાન અથવા માલિકી પુરાવો તેમજ ફાયરના સાધનોના ટેંસ્ટિંગના વીડિયો પેનડ્રાઈવમાં નગરપાલિકામાં રજૂ કરવાના રહેશે. જે અંગે સ્થળ તપાસ કરી એનઓસી આપવા માટે કાલે કેમ્પ યોજાશે. જેમાં ફાયર એનઓસી માટે રજૂ થયેલી અરજીઓ નગરપાલિકાથી ચકાસણી કરી તેનો અહેવાલ તૈયાર કરી રિજિયોનલ ઓફિસરને સોંપવામાં આવશે.