લાંબી ડેરી, શરણેશ્વર મહાદેવ રોડ, પંચમુખી ઢોરા સહિતના વિસ્તારમાં અંધારપટ્ટ હળવદ : હળવદ નગર પાલિકામાં ભાજપ રાજમાં લોકોને વિકાસના બદલે અધિગતિના દર્શન થઈ રહ્યા છે પાલિકા પાસે લાઇટબીલ ભરવાના નાણાં ન હોય વિજતંત્ર દ્વારા જુદા- જુદા છ વિસ્તારમાં લાઈટ કનેક્શન કાપી નાખતા શરણેશ્વર મહાદેવ રોડ, પંચમુખી ઢોરો સહિતના વિસ્તારમાં અંધારપટ્ટ છવાયો છે અને પાલિકાની તંગ આર્થિક સ્થિતિ કે લાપરવાહ નીતિ તે અંગે અનેકવિધ ચર્ચા શહેરીજનોમાં ઉઠી છે, નોંધનીય છે કે પાલિકાના સતાધીશોની અણઆવડતના પાપે પાણીના સંપના કનેક્શન પણ કપાવવાની તૈયારીમાં છે પરંતુ વિજતંત્ર દ્વારા લોકોની સુખાકારી ધ્યાને લઇ આ કનેક્શન કાપ્યા ન હોવાનું પણ પાલિકાના જ સૂત્રો જણાવી રહ્યા છે. હળવદ પાલિકા દ્વારા શહેરમાં અજવાળા પાથરવા માટે જુદા જુદા વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટો નાખવામાં આવી છે પરંતુ આ સ્ટ્રીટ લાઇટનું બિલ નહીં ભરવાને કારણે વીજ તંત્ર દ્વારા આજે શહેરના શર્ણેશ્વર રોડ, ધાંગધ્રા દરવાજા અંદરનો વિસ્તાર, પંચમુખી ઢોરા વિસ્તાર, ભવાની નગર વિસ્તાર સહિતના જુદા-જુદા ૬ વિસ્તારમાં સ્ટ્રીટલાઇટના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે પાલિકા દ્વારા હવે ક્યારે બિલ ભરવામાં આવે છે અને ક્યારે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરે છે.