પાણી વહીને રોડ ઉપર આવતા ગારા-કીચડથી લોકોને હાલાકી મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે છેલ્લા એક માસથી પાણીની લાઈનમાં લિકેજ હોવાથી પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. સાથેસાથે પાણી રોડ ઉપર વહેતુ હોય અને ગારા-કીચડથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. આથી, આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા માટે સ્થાનિક સામાજિક કાર્યકરે પાલિકા પ્રમુખને રજુઆત કરી છે. મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ મોરબી પાલિકાના પ્રમુખને રજુઆત કરી હતી કે, શનાળા બાયપાસ પાસે વોર્ડ નંબર-11માં આવેલ લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા એક મહીનાથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. આ લાઇન લીકેજ હોવાથી પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. તેમજ પાણી રોડ ઉપર ભરાતું હોવાથી વગર વરસાદે ચોમાસા જેવી નોબત આવી છે અને આ વિસ્તારમાં પાણીના ભરાવાથી કાદવ કીચડ પણ થાય છે. તેથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મેઈન રોડ ઉપર આ રીતે વારંવાર પાણીની લાઇન લીકેજ થાય છે. આ મામલે અનેક રજુઆત કરી હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. આથી, ફરી રજુઆત કરીને આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવા સાથેસાથે લાયન્સનગર વિસ્તારમાં બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા, રોડ, રસ્તા બનાવવા અને ગટરની નિયમિત સફાઈ કરી ઢાંકણા મુકવાની માંગ ઉઠાવી છે.