નરાધમને કડકમાં કડક સજા આપવાની માંગ સાથે મુખ્યમંત્રીને આવેદન અપાયું મોરબી : રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામે ગત તા.16 ના રોજ એક તરુણીને એક તરફી પ્રેમમાં પાગલ નરાધમે કુરતાપુવર્ક અસંખ્ય છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવથી સભ્ય સમાજમાં ભારે આક્રોશ સાથે નરાધમ ઉપર નફરતની આંધી ઉઠી છે. ત્યારે મોરબીના જાગૃત મહિલા ગ્રુપે સીએમને રજુઆત કરીને તરુણીના હત્યારાને ફાંસી આપવાની માંગ કરી છે. મોરબીના જાગૃત મહિલા ગ્રુપે મુખ્યમંત્રીને સંબોધીને કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આ તરુણીના હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. જ્યારે આ બનાવનો આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયો હોય તેને આ અતિ ક્રૂર બનાવની કડક સજા મળે તે માટે સ્પેશિયલ પી.પી.નિમણુંક કરવા તેમજ બેટી બચાવોને સાર્થક કરતી ગુજરાત સરકાર દ્વારા સમાજમાં દાખલારૂપ કાર્યવાહીના ભાગરૂપે આરોપીને ઝડપથી ફાંસી મળે તે માટે કાયદાકીય ટિમ બનાવી યોગ્ય માર્ગદર્શન આપીને કોર્ટમાં વિનંતી કરવામાં આવે તેવી માંગ કરી છે અને આરોપીને કડકમાં કડક સજા કરી ભોગ બનનારના પરિવારને યોગ્ય ન્યાય આપવાની પણ માંગ કરી છે. મોરબી જિલ્લા કલેકટરના માધ્યમથી જાગૃત મહિલા મંડળના સુમિતાબેન લોરીયા, જાગૃતિબેન કણઝારીયા, ચેતનાબેન ક્લોલા, ધરતીબેન બરાસરા, જિજ્ઞાબેન કાસુન્દ્રા, વર્ષાબેન પટેલ સહિતના મહિલાઓએ મુખ્યમંત્રીને આવેદન પાઠવી ફાંસીની સજાની માંગ કરી હતી.