ઘેર ઘેર ફરીને ટી.બી.ના એક્ટિવ કેસો શોધી સારવાર કરાશે મોરબી: પ્રદુષિત વાતાવરણ અને અમુક કિસ્સામાં વારસાગત કારણોસર ભારતમાં ટીબી (ક્ષય)ના રોગને હજુ નિર્મૂળ કરી શકાયો નથી. બીડી-સિગારેટ જેવા વ્યસનો પણ ટીબી.ના રોગને નિર્મૂળ કરવામાં બાધારૂપ હોવાનું તબીબો જણાવી ચુક્યા છે. ત્યારે મોરબીમાં ટી.બી.ના એક્ટિવ દર્દીઓને શોધવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અગાઉ રાજ રોગ ગણાતા ટી.બી.(ક્ષય)ના રોગની સારવાર ખૂબ લાંબી ચાલે છે. સારવારમાં વિલંબ કે અધૂરી છોડેલી સારવારથી ઘણા મોત થતા હોય છે. દેશને 2025 સુધીમાં ક્ષય મુક્ત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન બાદ ગુજરાત સરકારે 2022 સુધીમાં ટીબી મુક્ત ગુજરાતનું લક્ષય રાખ્યું છે. આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા દરેક જિલ્લાઓની માફક મોરબી જિલ્લામાં પણ 22થી 26 માર્ચ સુધી ઘેર ઘેર જઈ ટીબી.ના એક્ટિવ કેસો શોધવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબી શહેરના અર્બન હેલ્થ સેન્ટર સો-ઓરડી ખાતે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. વિસ્તારના આગેવાન સુરેશભાઈ શિરોહિયા દ્વારા દીપ પ્રાગટય કરાવી આ અભિયાનની શરૂઆત કરાઈ છે. આ તકે અર્બન મેડિકલ ઓફીસર રીયાઝ, ટી.બી.પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઈ જોષી, ટી.બી.હેલ્થ વિઝીટર કલ્પેશભાઈ પાટડીયા, આશા બહેન, હેમલતાબેન ગોસાઈએ ઉપસ્થિત રહી સર્વે કામગીરીને વેગવંતી બનાવવા પ્રયાસો આદર્યા છે.