આવનારા 5 વર્ષો દરમ્યાન દરેક કાઉન્સિલર આવી નિષ્ઠા દાખવે તો મોરબીની કાયાપલટ નિશ્ચિત મોરબી: તાજેતરમાં જ ચૂંટાયેલા કાઉન્સિલરો પોતાના વોર્ડ પૂરતી જ નિષ્ઠાપૂર્વકની કામગીરી કરે તો મોરબીની સુરત બદલાઈ શકે છે એ બાબતનું ઉદાહરણ પૂરું પાડતા એક મહિલા કાઉન્સિલરે સવારથી સાંજ સુધી પોતાના પતિ સાથે માર્ગ પરના કચરા અને અન્ય નડતરરૂપ દબાણો દૂર કરાવી માર્ગ પહોળો કરાવ્યો હતો. વોર્ડ નંબર 12ના કાઉન્સિલર નિમિષાબેન ભીમાણીએ તેમના પતિ રાજેશભાઇને સાથે રાખીને મુખ્ય માર્ગની બન્ને બાજુઓ પર પડેલો કચરો, મકાનોનો કાટમાળ સહિતનો કચરો દૂર કરાવી માર્ગ પહોળો કરાવ્યો હતો..રવાપર રોડથી સામાકાંઠે મોરબી - 2 સુધી જવા માટે કેનાલ રોડથી ઝૂલતા પુલ, દરબાર ગઢથી પસાર થતા રોડ પર આજુબાજુ બંને સાઈડ બાવળ અને લોકોએ પાડેલા મકાનના કાટમાળના ઢગલા પડ્યા હતા જેના કારણે બંને બાજુ 5-5 ફૂટ જેટલો રસ્તો દબાયેલો હતો. વોર્ડ નંબર 12 સ્થિત નર્મદાહોલથી સાયન્ટીફીક રોડ, પટેલનગર રોડ, આલાપ રોડ, સ્કાય ટાવર સુધી નિમિષાબેને સઘન સફાઈ અભિયાન હાથ ધરાવ્યું હતું. રોડની બંને સાઈડ બાવળ, બાંધકામનો કાટમાળ તથા કચરાને દુર કરાતા રસ્તો દસેક ફૂટ જેટલો પહોળો થયો હતો. આ સફાઈ શ્રમયજ્ઞ સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી ચાલ્યો. જેમાં મોરબી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત સ્ટાફે જે.સી.બી, ટ્રેક્ટરની મદદ કરી સહકાર આપ્યો હતો.