લૂંટનો ભોગ બનેલ આશિષસિંહ મોટી રકમની હેરફેર કરતો હોવાનું જાણતા ભાઈએ જ મિત્રની મદદ માટે ગુન્હાખોરી આચરી મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર શનિવારે બપોરે રૂપિયા ૭.૬૧ લાખની દિલધડક લૂંટ પ્રકરણમાં ઝડપાયેલા બન્ને આરોપીઓએ ચોંકાવનારી હકીકત કબૂલી છે. લૂંટને અંજામ આપનાર ફરિયાદીના સગા ભાઈ મહાવીરસિંહના મિત્રના ભાઈના લગ્ન હોય નાણાંની જરૂરત પુરી કરવા પોતાના જ ભાઈને લૂંટી લીધાનું કબૂલ કર્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે, જો કે આ ઘટનામાં ફરીયાદીની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે પણ પોલીસ ઊંડાણપૂર્વક છાનબિન કરી રહી છે. મોરબીના પીપળી રોડ ઉપર શનિવારે બપોરે આશીષસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા નામની વ્યક્તિ નાણાં ભરેલો થેલો લઈને જઈ રહ્યા હતા ત્યારે બે લૂંટારૂઓએ આશીષસિંહની આંખમાં મરચાની ભૂક્કી નાખી હાથમાંથી રોકડ રકમ ભરેલો થેલો આંચકી લઈ લૂંટ ચલાવી હતી. આ બનાવને પગલે પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી આરોપીઓને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને પોલીસની ત્વરિત કામગીરીથી લૂંટને અંજામ આપનાર મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા અને સહદેવસિંહ વાઘુભા ઝાલા નામના બન્ને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે લૂંટ કરનાર મહાવિરસિંહ વાઘેલા ફરિયાદી આશિષસિંહનો સગો ભાઈ છે અને પોતાના મિત્ર સહાદેવસિંહના ભાઈના લગ્ન હોવાથી નાણાકીય જરૂરિયાત પૂરી કરવા પોતાના જ સગાભાઈને લૂંટવા બન્નેએ સાથે મળી પ્લાન ઘડી કાઢ્યો હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હોવાનું વર્તુળો જણાવી રહ્યા છે.નોંધનીય છે કે આરોપી સહાદેવસિંહ ફરિયાદી આશિષસિંહના વતન કચ્છનો જ વતની છે અને ફરિયાદીની ઘરે કાયમી આવરો જાવરો કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સંજોગોમાં રહસ્યના આટાપાટા સર્જતી લૂંટની આ ઘટનામા ભોગ બનનાર ફરિયાદીની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.