વાંકાનેર : ધૈર્યરાજસિંહ રાઠોડની બીમારીની સારવાર માટે મદદરૂપ થવા મોરબી જિલ્લામાં અનેક લોકો આગળ આવ્યા છે. ત્યારે વાંકાનેરમાં ગૌરક્ષક ગ્રુપ તથા ભાટીયા સોસાયટી યુવા ગ્રુપ દ્વારા લોકો પાસેથી ફાળો ઉઘરાવી કુલ રૂ. 62,800નું દાન આપવામાં આવ્યું છે. ધૈર્યરાજસિંહ રાઠોડ માટે વાંકાનેરમાં ગૌરક્ષક ગ્રુપ તથા ભાટીયા સોસાયટી યુવા ગ્રુપ દ્વારા ટોલનાકા પાસે ટ્રક, બસ, કાર, બાઈક, રિક્ષા સહિતના વાહનોના ચાલકો તેમજ પોલીસ અધિકારીઓ સહિતના લોકો પાસે ફંડ એકત્રીત કરવામાં આવેલ છે. વધુમાં, આ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વાંકાનેરની ભાટીયા સોસાયટી વિસ્તારમાં, મેઈન બજાર તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં જઈને ધૈર્યરાજસિંહ માટે મદદ માંગવામાં આવી હતી. આથી, અનેક લોકો દ્વારા દાન આપવામાં આવ્યું હતું. આ તમામ ફાળો એકત્ર કરી આજે તા.19ના રોજ ધૈર્યરાજસિંહના બેંક એકાઉન્ટમા કુલ રૂ. 62,800 જમા કરવામાં આવ્યા છે. આમ, ગૌરક્ષક ગ્રુપ તથા ભાટીયા સોસાયટી યુવા ગ્રુપએ ધૈર્યરાજસિંહ માટે આગળ આવી માનવતા મહેકાવી છે.