પીપળી રોડ ઉપર થયેલી લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખતી પોલીસ : ફરિયાદીના ભાઈ તેમજ મિત્રએ જ લૂંટ ચલાવી હતી મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા પીપળી રોડ ઉપર થોડી ગત સાંજે દિલધડક લૂંટની ઘટના સામે આવી હતી. જેમાં મની ટ્રાન્સફરના રૂ. 7.61 લાખ ભરેલો થેલો બે શખ્સો લૂંટીને હવામાં ઓગળી ગયા હતા. આ બન્ને શખ્સો બીજા કોઈ નહિ ભોગ બનનારનો સગો ભાઈ અને તેનો મિત્ર જ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બન્ને આરોપીઓને પકડી પાડી સઘન પૂછપરછ ચલાવી છે. મોરબીના પીપળી રોડ ઉપર આશીષસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા નામની વ્યક્તિ નાણાં ભરેલો થેલો લઈને જઈ રહ્યા હતા ત્યારે બે લૂંટારૂઓએ આશીષસિંહની આંખમાં મરચાની ભૂક્કી નાખી હાથમાંથી રોકડ રકમ ભરેલો થેલો આંચકી લઈ લૂંટ ચલાવી હતી. આ બનાવને પગલે પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી આરોપીઓને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેને સફળતા મળી છે. આ બન્ને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બનાવ અંગે માહિતી આપતા ડીવાયએસપી રાધિકા ભારાઇએ જણાવ્યું કે બન્ને આરોપીઓના નામ મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા અને સદેવસિંહ વાઘુભા ઝાલા છે. મહાવિરસિંહ નામનો શખ્સ જેની પાસેથી લૂંટ થઈ તે આશિષસિંહનો સગો ભાઈ થાય છે. બન્ને સાથે જ પીપળી ગામની સીમમાં રહે છે. આ બનાવમાં ભોગ બનનાર ફરિયાદી રોલ છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.