ઉત્તરાખંડની સુભોતમ કંપનીએ ખેલ પાડી દીધો : યુવાનને ધાકધમકી મળતા એસપીને અરજી મોરબી: ઉતરાખંડ સ્થિત સુભોતમ મલ્ટીટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ મોરબીના યુવક સાથે મોબાઈલ રિચાર્જ અને DTH રિચાર્જ સ્કીમમાં ઓનલાઈન મની ટ્રાન્સફર મેળવી બાદમાં સેવાઓ પૂરી ન પાડતા આ યુવક પાસે મોબાઈલ અને ડીટીએચ રિચાર્જ કરાવનાર લોકોએ યુવાન પાસે ઉઘરાણી શરૂ કરી ધક ધમકી આપવાનું શરૂ કરતાં યુવાને મોરબી જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી છે. સમગ્ર બનાવની હકિકત જોઈએ તો, ઉત્તરાખંડની સુભોતમ મલ્ટીટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સાલ 2016થી પ્રોડક્ટ બેઝ ઉપર વિવિધ કામો કરતી હતી. આ કંપનીમાં મોરબીના યુવક પ્રણવ નલિનભાઈ ઠાકરે (રહે. 97, સુમતીનાથ નગર, ગેઇટવાળી શેરી, વાવડી રોડ, કબીર વાડી પાસે, મોરબી) એપ્રિલ 2020માં 1250 રૂપિયાનું 12 મહિનાનું મોબાઈલ રિચાર્જ અને 1600 રૂપિયામાં ડીટીએચનું રિચાર્જ કરાવ્યું હતું. જોકે કંપનીએ જાન્યુઆરી 2021થી 1250 જગ્યાએ 1500 અને ડીટીએચના 1600 રૂપિયાના બદલે 2000 રૂપિયાનો પ્લાન લાગુ કર્યો હતો. છતાં માર્કેટમાં ઉપલબ્ધ અન્ય પ્લાનનો કરતા આ પ્લાન સસ્તા લાગતા એ વખતે પ્રણવ ઠાકરે ફરી વખત રિચાર્જ કરાવ્યું હતું. તેમજ તેમના નજીકના મિત્ર વર્તુળમાં પણ આ સ્કીમનો પ્રચાર અને પ્રસાર કરીને અન્યોના રિચાર્જ કર્યા હતા. આ રીતે કુલ મળી 5 લાખ રૂપિયાની કંપનીને ચુકવણી કરી હતી. થોડા સમય બાદ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારી પાસે ઉપલબ્ધ ફંડ ન હોવાથી આ તમામ રિચાર્જ કંપની આપી શકે તેમ નથી. તેના બદલામાં કંપનીએ કોઈપણ પ્રોડક્ટ આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ દરમિયાન કંપનીની smplmart.com નામની સાઈટ પણ બંધ થઈ ગયેલી હતી. આથી પ્રણવ ઠાકર દ્વારા કંપનીના સંપર્કમાં આવેલા તેમના મિત્રો તેમજ સ્નેહીજનો બાકી નીકળતા રિચાર્જની રકમ પરત આપવાની માંગ કરી રહ્યા હોય તેમ જ પ્રણવ ઉપર છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવા માટે અને મારકૂટ કરવાની ધાકધમકી આપી રહ્યા હોય યુવકે મોરબી જિલ્લા એસપીને આ અંગેની લેખિત જાણ કરી છે. યુવકના પર્સનલ મોબાઈલ વોલેટમાંથી પણ ઉપરોક્ત કંપનીના સમી અખ્તર નામના વ્યક્તિએ 24000 રૂપિયાની રોકડ રકમ ફ્રોડ કરીને ઉપાડી લીધી હોય તે અંગે પણ ઓનલાઇન ફ્રોડનો કેસ કરવા માટે યુવકે મોરબી જિલ્લા એસપીને લેખિતમાં જણાવ્યું છે.