લૂંટાવદર ગામેથી નવલખીના સમુદ્રમાં મૂર્તિ વિસર્જન માટે ગયેલા ગ્રામીણો સાથે લઘુમતી સમાજના મછવારા જોડાયા મોરબી: તાલુકાના લૂંટાવદર ગામે તાજેતરમાં જ શિવજીની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. નવી મૂર્તિની સ્થાપના પૂર્વેની જૂની મૂર્તિ નવલખીના સમુદ્રમાં વિસર્જિત કરવા માટે ગ્રામજનો પહોંચ્યા ત્યારે જુમાવાડી (નવલખી) ગામના લઘુમતી સમાજના ત્રણથી ચાર યુવાનોએ આ કાર્યમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરતા લૂંટાવદર ગામના ભાવિકોમાં સાનંદ આશ્ચર્ય સર્જાયું હતું. મોરબી તાલુકાના લૂંટાવદર ગામના સ્થાનિકો તાજેતરમાં નવલખી બંદર ખાતે શિવજીની પુરાણી મૂર્તિના વિસર્જન માટે પહોંચ્યા હતા. જ્યાં જુમાવાડી ગામના જુસબ અબ્દુલ્લા ટાંક અને અબ્બાસ હાજી નંગામરાએ આ ધાર્મિક કાર્યમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરતા લૂંટાવદરના ગ્રામીણોએ યુવાનોને હરખભેર સંમતિ આપી હતી. બન્ને યુવકોએ પોતાના ધંધામાં એકદિવસીય રજા રાખી ઉત્સાહભેર ઉક્ત કાર્યમાં ભાગ લીધો હતો. ધર્મના નામે લોકોમાં નફરત ફેલાવવાનું પાપ કરતા રાજનેતાઓએ આવી ઘટનામાંથી પ્રેરણા લેવી જોઈએ તેમ જણાવી ગામના સરપંચ , ઉપસરપંચ દિનેશભાઇ તથા શામજીભાઈ ઝળરિયાએ લૂંટાવદર ગામના મગનભાઈ ચીખલીયા, જેન્તીભાઈ ઝાલારીયા, બાબુભાઇ ઝાલારીયા, ધર્મેન્દ્રસિંહ, શાંતિભાઈ, અપ્પુભાઈ, લાલજીભાઈ, કૈલાસગીરી, ગોપાલભાઈ, રાજુભાઈ, નાનજીભાઈ સહિતના ગ્રામીણોનો આભાર વ્યક્ત કર્યો છે.