મોરબી: તાલુકાના લીલાપર ગામે બેદરકારીથી ટ્રક ચલાવી બાઇક ચાલકના પગ ઉપર વ્હીલ ફેરવી દઈ ઇજા પહોચાડી ડ્રાઈવર ટ્રક રેઢો મૂકી નાસી જતા તાલુકા પોલિસે ટ્રક નંબરને આધારે ડ્રાઈવરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક રાધેશ્યામ પેપર મિલ પાસે ટ્રક નંબર GJ 12 BX- 0058ના ચાલકે બેદરકારી પૂર્વક પોતાનો ટ્રક ચલાવી 44 વર્ષીય કિશોરભાઈ લાલજીભાઈ દેસાઈ (રહે. ધર્મલાભ સોસાયટી, નવલખી બાયપાસ, વૈભવનગરની બાજુમાં)ને હડફેટે ચડાવ્યા હતા. કિશોરભાઈ દેસાઈ પોતાના બાઇક નંબર GJ 03- EP- 1933 લઈને ઉપરોક્ત સ્થળ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેદરકારીથી ટ્રક ચલાવી અકસ્માત નોતરતા બાઇકની પાછળથી ઠોકર મારી હતી. આ અકસ્માતમાં ફરિયાદી કિશોરભાઈને જમણા પગ પર ટ્રકનું વ્હિલ ફરી વળતા ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે. નાસી છૂટેલા ટ્રક ડ્રાઈવરની ભાળ મેળવવા પોલીસ હેડ. કોન્સ્ટેબલ કે.એ. ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે.