લક્કી ગ્રૂપ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત વિનામૂલ્યે વિતરણ મોરબી : મોરબીમાં આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લક્કી ગ્રૂપ દ્વારા ઘણા સમયથી ચાલતા ચકલી બચાવો અભિયાનના ભાગરૂપે સામાકાંઠે વિનામૂલ્યે ચકલીના માળા-કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.લોકોને દરેક ઘરે ચકલીના માળા-કુંડા બાંધીને ચકલીનો પુનઃવસવાટ થાય તેવી અપીલ કરવામાં આવી હતી. મોરબી હરણફાળ વિકાસની કૂચને કારણે સિમેન્ટ કોક્રેટનું જંગલ બની ગયું છે.જ્યાં જુઓ ત્યાં ઇમારતોવાળા મકાનો જોવા મળી રહ્યા છે.તેથી ઘરોમાંથી ચકલીનો મીઠો મધુર કલરવ અદ્રશ્ય થઈ ગયો છે.અગાઉ નળીયાના મકાનો હોવાથી ચકલી દરેક ઘરોમાં પોતાના પરિવાર સાથે માળો બનાવીને રહેતી હતી.પણ હવે વિકાસની ઘેલછામાં મોટાભાગના મકાનો ઇમારતોવાળા બની ગયા હોવાથી ચકલી લુપ્ત થઈ રહી છે ત્યારે મોરબીના લક્કી ગ્રુપે દરેક ઘરોમાં ફરી ચકલીનો કલરવ ગુંજતો થાય તે માટે ઘણા સમયથી ચકલી બચાવો અભિયાન છેડયું છે અને ઘણા સમયથી બારેમાસ ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરે છે.દરમિયાન આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લક્કી ગ્રૂપ દ્વારા પ્રતિ વર્ષ મુજબ આજે પણ સામાંકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલ પાસે વિનામૂલ્યે ચકલીના માળા-કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.