વાંકાનેર : વાંકાનેર નગર પાલિકામાં નાટકીય રીતે ભારતીય જનતા પક્ષના 15 સભ્યોએ અલગ ચોકો રચી સતાના સૂત્રો હસ્તગત કરી લીધા બાદ આજે નવ નિયુક્ત પાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો. વાંકાનેર નગર પાલિકાની કુલ 28 બેઠકોમાંથી 24 બેઠકો ભાજપે કબ્જે કર્યા બાદ બહુમતી સભ્યોએ પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપ પ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહનું નામ સર્વાનુમતે નક્કી કર્યું હતું. પરંતુ જિલ્લા ભાજપમાંથી અન્ય નામ આવતા 15 સભ્યોએ ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલને પ્રમુખ અને ધર્મેન્દ્રસિંહને ઉપ પ્રમુખ તરીકે ચૂંટી કાઢતા આજે નવા ચૂંટાયેલ પ્રમુખ અને ઉપ પ્રમુખે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો અને એક બીજાના મોં મીઠા કરાવ્યા હતા.