મોરબીમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યુ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવો તો ખતરો મોરબી : મોરબી પોસ્ટ ઓફિસના કર્મચારીઓની માઠી દશા બેઠી હોય તેમ ગઈકાલ સુધીમાં સાત કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ પાંચ કર્મચારીઓને કોરોના વળગ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. એક સમયે ગ્રીનઝોનમાં રહેલ મોરબી શહેર જિલ્લામાં રાજ્યના અન્ય જિલ્લાઓની તુલનાએ કોરોના કંટ્રોલમાં રહ્યો છે. પરંતુ, છેલ્લા દિવસોમાં લોકોની બેદરકારી વધતા કોરોનાએ ફરી માથું ઉચક્યું હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ એક પછી એક કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. ગઈકાલ સુધીમાં મોરબી, વાંકાનેર અને ટંકારા મળી સાત કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ પાંચ પોસ્ટલ કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યાનું ખુદ પોસ્ટ વિભાગના કર્મચારીઓ જણાવી રહ્યા છે. આ સંજોગોમાં હવે લોકોએ પણ જાગૃત બની માસ્કનો ઉપયોગ કરવાની સાથે સોશિયલ ડીસ્ટન્સનો ઉલાળિયો કરવાને બદલે ભીડ ભાળ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈશે.