નર્મદા બ્રાન્ચમાંથી આવતી પેટા કેનાલમાં મોટો પાઇપ ગોઠવી પાણી ચોરી તંત્રની પગલાં ભરવામાં પીછેહઠ હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાંથી પસાર થતી ડી-12 માઇનોર કેનાલમાં કોઈ માથાભારે શખ્સ દ્વારા મોટો પાઈપ ગોઠવી દઈ પેટા કેનાલમાં આવતું મોટાભાગનું પાણી રોકી લેતા ઉપરવાસના 150 જેટલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવું મુશ્કેલ બન્યું છે. જેથી વહેલી તકે પેટા કેનાલમાં નાખવામાં આવેલ પાઈપ દુર કરી ખેડૂતોને પાણી મળે તેવી માંગ કરાઈ રહી છે. બ્રાન્ચ કેનાલ થકી ખેડુતોને ખેતરો સુધી પાણી પહોંચી રહે તે માટે થઈને પેટા કેનાલો બનાવવામાં આવી છે. ત્યારે હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાંથી ડી-12 માઇનોર કેનાલ પસાર થાય છે. જે ધાંગધ્રા તાલુકાના પીપળા ગામના ખેડૂતોને પણ આ કેનાલ થકી પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ, કવાડિયા ગામની સીમમાં ભોરાના માર્ગ પાસે કોઈ માથાભારે શખ્સ દ્વારા પેટા કેનાલમાં મોટો પાઇપ ગોઠવી દઈ પાણી રોકી લેવાતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ શખ્સ દ્વારા પાણી રોકી લેતા 150 જેટલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવું મુશ્કેલ બન્યું છે. જેથી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.