એક મહિનાથી તૂટેલી પાણીની પાઇપલાઈન બાબતે કોઈ તંત્ર જવાબદારી લેવા તૈયાર નહીં: મોરબી: રવાપર ગામે છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હોય પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે. સ્થાનિકોએ વિવિધ વિભાગમાં ફરિયાદ કરતા કોઈ વિભાગ આ લાઈન રીપેર કરવાની જવાબદારી લેવા તૈયાર ન થતું હોય હજારો ગેલન પાણીના વેડફાટ વચ્ચે હવે પાણીના તલાવડા ભરાયા છે. રવાપર ગામમાં મારુતિ દર્શન એપાર્ટમેન્ટ સુધીના માર્ગ પર પાણીની લાઈનમાં છેલ્લા એક માસથી ભંગાણ પડ્યું હોય પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે. સ્થાનિકો પાણીના તલાવડા વચ્ચેથી આવાગમન કરવા મજબૂર બન્યા છે. ડેમથી શનાળા ગામ સુધી જતી લાઈન અહીંથી પસાર થતી હોવાનું સ્થાનિકોએ જણાવીને વધુમાં કહ્યું હતું કે, આ લાઈન છેલ્લા એક માસથી તૂટેલી હોય પંચાયત અને પાણી પુરવઠા વિભાગમાં પણ ફરિયાદ કરી હોવા છતાં બન્નેમાંથી કોઈ તૂટેલી લાઈન રીપેર કરવાની જવાબદારી લેવા તૈયાર નથી. પંચાયત અથવા પાણી પુરવઠા વિભાગ સિવાય આ લાઈનની જવાબદારી કોની હોય શકે એ બાબતે સ્થાનિકો અસમંજસમાં છે. ત્યારે પાણીનો આ વેડફાટ આવનારા ઉનાળાના દિવસોમાં તંત્રવાહકો સહિત સ્થાનિકોને પણ દઝાડશે એ નક્કી છે. ચૂંટણી પૂર્વે જ તૂટેલી લાઈનનો કોઈ તો ઘણી-ધોરી થાય એવું સ્થાનિકો ઇચ્છી રહ્યા છે.