10 ટકા વ્યાજ સહીત રકમ ચૂકવવા છતાં ધમકી આપનારા 14 વ્યાજખોરો સામે નોંધાવી ફરિયાદ મોરબી : મોરબીમાં યુવાને 14 વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે લાખો રૂપિયા લીધા બાદ વ્યાજ સાથે રૂપિયા ચૂકવી દીધા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને ફીનાઇલ પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને સમયસરની સારવારમાં યુવામ બચી ગયા બાદ તેણે આ બનાવ અંગે 14 વ્યાજખોરો સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની ફરિયાદ નોંધીને પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મોરબીના લૂંટાવદર ગામના વતની અને હાલ મોરબી કંડલા બાયપાસ નજીક કામધેનુ પાસે આવેલ સરદાર સોસાયટી તુલસીદાસ એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપભાઈ ગોવિંદભાઈ આદ્રોજા (ઉ.વ.37) નામના યુવાને આરોપીઓ મુકેશભાઈ ડાંગર, માધવભાઈ આહીર, વરુણભાઈ ઝીલરીયા, વિરમભાઈ રબારી, વિમલભાઈ પટેલ, કનકસિંહ, મુન્નાભાઈ આહીર, હર્ષદભાઈ આહીર, ધીરુભાઈ આહીર, મહેશભાઈ આહીર, રણજિતભાઈ આહીર, અજિતભાઈ રાઠોડ, મનોજભાઈ આહીર, વિજયભાઈ આહીર એમ 14 ઈસમો સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓએ અગાઉ આ તમામ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે 10 ટકાના વ્યાજ દરે લાખો રૂપિયા લીધા હતા.જેમાં 14 આરોપીઓ પાસેથી આશરે રૂ. 35 થી 38 લાખ જેવી માતબર રકમ 10 ટકાના ઉંચા વ્યાજે લીધી હોય બાદમાં એ રકમ વ્યાજ સાથે ફરિયાદીએ ચૂકવી દીધી હતી તેમ છતાં આરોપીઓએ વધુ નાણા બળજબરીથી પડાવવા માટે ફરિયાદી ઉપર દબાણ કરીને પઠાણી ઉઘરાણી કરી હતી. તેમજ આરોપીઓ ફોન અને રૂપરુંમાં પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય આ વ્યાજખોરોના ત્રાસથી ગતરાત્રે ફરિયાદીએ મોરબીના લખધીરપુર રોડ ઉપર ફીનાઇલ પી લીધું હતું. આથી, તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાય હતા અને બાદમાં આજે તેઓએ 14 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આ તમામ આરોપીઓ સામે મની લેન્ડરિંગ એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.