પુત્રીને સાથે લઈ પ્રેમી સાથે નાસી છુટેલી પત્નીને પરત મકનસર લઇ આવતી વેળાએ બનેલી ઘટના મોરબી : મોરબીના મકનસર ગામે રહેતી પરિણીતા પોતાની પુત્રીને લઈને પ્રેમી સાથે સુરત નાસી છૂટ્યા બાદ પતિએ બન્નેને શોધી કાઢી પરત મોરબી લાવતી વેળાએ દગાખોર પત્નીએ પ્રેમી સાથે મળી લઘુશંકા કરવા ઉભેલા પતિને પુલ ઉપરથી નીચે ફેંકી દેતા ઇજાગ્રસ્ત પતિને હાલ રાજકોટ સારવારમાં ખસેડાયો છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકનસરમાં રહેતાં મહેશભાઇ તુલસીભાઇ પરમાર (ઉ.વ.34) નામના યુવાનને વાંકાનેરમાં રેલ્વે પુલ પરથી નીચે ફેંકી દેવાતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યાં પોલીસની પ્રાથમિક પુછતાછમાં પોતાને પુલ પરથી મકનસર પ્રેમજીનગરના કુલદીપ રાઠોડ, સુમિત રાઠોડ, ચિરાગ રાઠોડ અને પોતાની પત્નિ ભારતીએ નીચે ફેંકી દીધાનો આક્ષેપ કરતાં તે મુજબની એન્ટ્રી નોંધાવાઇ હતી. મકનસર ગામે રહેતા મહેશભાઇ સિરામીકમાં નોકરી કરે છે. તેણે હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે પોતાની પત્નિનું નામ ભારતી છે અને સંતાનમાં બે દિકરી છે પોતાની પત્નિને કુલદિપ નામનો શખ્સ ભગાડી ગયો હતો. સાથે એક દિકરીને પણ લઇ ગયો હતો. કુલદિપ તેની મારી પત્નિ સુરત તરફ હોવાની ખબર પડતા પોતે તેના સગા, કુલદિપના ભાઇઓ કાર લઇને સુરત ગયા હતાં. દરમિયાન બન્ને ને સુરતથી પરત લાવી રહ્યા હતાં ત્યારે વાંકાનેર રેલ્વે પુલ પાસે પહોંચ્યા ત્યારે લઘુશંકા માટે કાર ઉભી રખાવાઇ હતી. આ વખતે ભોગ બનનાર મહેશભાઈ રેલ્વે પુલ પાસે ઉભો હતો ત્યારે તેમના પગ પકડી ઉઠાવીને નીચે ફેંકી દેવાયો હતો. આશરે પાંત્રીસ ફુટ નીચે પટકાયો હોવાનું જણાવી દેકારો થતાં રિક્ષાચાલકો અને બીજા લોકો ભેગા થઇ જતાં કુલદિપ સહિતના લોકોને પકડી લેવાયા હતાં અને કોઇએ ૧૦૮ બોલાવતાં તેઓને વાંકાનેર સારવાર અપાવી બાદમાં રાજકોટ ખસેડાયો હતો. મહેશના આક્ષેપો અંગે વાંકાનેર પોલીસે તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ કહ્યું હતું કે, જો લોકો ભેગા ન થયા હોત તો કદાચ મહેશને ફેંકી દવાયો હોવાની ખબર પણ પડી ન હોત.