બે શખ્સોએ ગેરકાયદે પ્લોટમાં કબજો જમાવતા પ્લોટના મૂળ માલીકે નોંધાવી ફરિયાદ મોરબી : મોરબીમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં મોરબીના માધાપર - વજેપર વિસ્તારમાં આવેલા વેપારીના જમીનના પ્લોટ ઉપર બે શખ્સોએ ગેરકાયદે કબજો જમાવીને આ પ્લોટ પચાવી પાડવાનો કારસો કરતા આ મામલે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી બાબુભાઇ મોહનભાઇ સરડવા (ઉ.વ. 67, ધંધો- વેપાર, રહે. મોરબી આલાપ પાર્ક, શેરી નંબર-૦૩, બ્લોક નંબર 86) એ આરોપીઓ ભરતભાઇ નારણભાઇ ડાવેરા તથા અજયભાઇ રાણાભાઇ ગોગરા (રહે. બંને ફડસર, મોરબી) અને તપાસમાં ખુલે તેની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, તા.૩/૧૨/૨૦૨૦ ના રોજ મોરબી માધાપર/વજેપરના સર્વે નં.૧૧૫૬ પૈકી જમીનમાં આવેલ ફરીયાદીની માલીકીનો પ્લોટ સર્વે નં.૧૧૫૬ ચોરસવાર ૨૦૦-૦૮ આશરે ચોરસ મીટર ૧૬૭-૯૫ નો આરોપીઓએ ગેરકાયદે કબ્જો કરી પચાવી પાડ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગેરકાયદે જમીન ઉપર કબજો ધરાવીને જમીન હડપ કરવાનો કારસો કરનાર તત્ત્વો સામે ગુજરાત સરકારે હમણાં જ નવો કાયદો અમલમાં મુક્યો છે. જેમાં લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ભૂમાફીયાઓ સામે ધડાધડ ફરિયાદો નોંધાઈ રહી છે. ત્યારે ગઈકાલે મોરબીમાં બે સ્થળે જમીન પંચાવી પડવાની ફરિયાદ બાદ વધુ એક ફરિયાદ નોંધાતા આ સમગ્ર બનાવની ડીવાયએસપી રાધીકા ભારાઇ તપાસ ચાલવી રહ્યા છે.