વેરા-વસુલાત ઝુંબેશ કડક બનતા જ પાલિકામાં વેરો ભરવા માટે લોકોની લાઈનો મોરબી : મોરબી નગરપાલિકાએ નાણાકીય વર્ષના અંતિમ તબક્કામાં કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવામાં કડક વેરા વસુલાત ઝુંબેશ આદરી છે. નગરપાલિકાએ અત્યાર સુધીમાં 52.81 ટકા કરવેરાની આકરાણી કરી છે. ત્યારે હવે તમામ લોકો કરવેરો ભરતા થાય તે માટે પાલિકાએ આકરો મિજાજ દર્શાવ્યો છે અને વેરો નહિ ભરનારનો કચરો ઉપડવામાં આવશે નહિ તેવો નિર્ણય જાહેર કરતા હવે પાલિકામાં કરવેરો ભરવા માટે પડાપડી થઈ રહી છે. મોરબી નગરપાલિકાનું નાણાકીય વર્ષ આ માર્ચ એન્ડીગમાં પૂરું થવા જઈ રહ્યું છે. ત્યારે 31 માર્ચ સુધીમાં કરવેરોનો લક્ષ્યાંક પૂરો કરવા માટે પાલિકાએ કમર કસી છે. માર્ચ એન્ડિંગને 20 દિવસ બાકી હોય ત્યારે નગરપાલિકાએ વેરા વસુલાત માટે અથાક પ્રયાસો હાથ ધર્યો છે. શહેર આખામાં વાહન ફેરવી માઈક દ્વારા લોકોને કરવેરા ભરવાની સૂચના આપવામાં આવી રહી છે. આમ છતાં વધુ સમયથી વેરો બાકી હોવા છતાં આસામીઓ વેરો ભરવામાં ઉદાસીન રહેતા બે દિવસથી પાલિકા દ્વારા મિલકત જપ્તીની પણ હિલચાલ શરૂ કરવામાં આવી છે. જો કે પાલિકા જ્યાં જપ્તી કરવા જાય ત્યાં લોકો સહકાર આપીને કરવેરો ભરી દે છે. આથી, હજુ સુધી એકપણ મિલકત જપ્તી કરવામાં આવી નથી. છેલ્લા કેટલાક સમયથી પાલિકાએ કરવેરાની ઝુંબેશને તેજ કરી દીધી છે. દોઢ મહિના પહેલા 30 ટકા જેવી જ કરવેરાની વસુલાત થઈ હતી. પણ અત્યારે કુલ રૂ. 2403.33 લાખની માંગણી સામે રૂ 1269.17 લાખ જેવી કરવેરાની અત્યાર સુધીમાં વસુલાત થઈ છે. એટલે કહી શકાય કે છેલ્લા દોઢ મહિનામાં પાલિકાને વેરા વસુલાત ઝુંબેશ ફળી છે. ગયા વખતે 50 થી 55 ટકા આસપાસ જ કરવેરાની વસુલાત થઈ હતી. આ વખતે અત્યાર સુધીમાં 52.81 ટકા જેવી વસુલાત થઈ છે. જ્યારે મિલકતની વાત કરવામાં આવે તો પાલિકામાં કુલ 60,462 રહેણાંક અને 29,059 બિનરહેણાંક મિલકત છે. એમાંથી 26 હજાર જેટલા લોકોએ વેરો ભર્યો છે. ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ કરવેરા માટે કડક વસુલાતનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં જે લોકોને વેરો બાકી હોય તેને અઠવાડિયામાં વેરો ભરવાની નોટિસ આપવામાં આવે છે અને ડોર ટુ ડોર કલેક્શનમાં પણ એક સપ્તાહની મુદત આપવામાં આવે છે. એક સપ્તાહ સુધીમાં જે લોકોએ વેરો નહિ ભર્યો હોય તેનો કચરો ઉપાડવામાં આવશે નહિ. આવી કડક વસુલાતથી વેરો ભરવા માટે પાલિકામાં લોકોનો ધસારો જોવા મળ્યો છે.