મંદિરમાં 16 સ્તંભની મણિદ્વીપ યજ્ઞ શાળાનો ભવ્ય ઇતિહાસ, મોરબી અને જામનગરમાં જ છે અનોખી યજ્ઞશાળા મોરબી: મોરબીના ગ્રીનચોક પાસે આવેલ અંદાજીત 400 વર્ષ જૂનું કુબેરનાથ મંદિર આવેલું છે આ મંદિરે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે. અને તેનો મહિમા પણ અનેરો રહેલો છે. એવું કહેવાય છે કે કુબેરનાથના શરણે આવેલ ભક્ત ખાલી હાથે પરત ફરતો નથી. અહીં આવેલ દરેક ભક્તોની મનોકામના પુરી થાય છે. આજે શિવરાત્રીના મહાપર્વ નિમિતે કુબેરનાથ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે. એવું કહેવામાં આવે છે કે મોરબીના ડાયાલાલ ઝવેરીને ભગવાન કુબેરનાથ સ્વપ્નમાં આવ્યા હતા અને કહ્યું હતું કે, કાશીથી કોઈ બ્રાહ્મણ શિવલિંગ લઈને નીકળ્યો છે અને તેની પાસે પૈસા નથી પરંતુ મંદિર તારે બંધાવવાનું છે. ત્યારે તેમની પાસે પણ પૈસા ન હતા પરંતુ ભગવાન કુબેરનાથે ઝવેરી પરિવાર ઉપર કૃપા કરી અને મંદિર બંધાવવા માટે જેટલા પૈસા જોઈતા હતા તેના કરતાં બમણા મળી ગયા હતા, અને મંદિર બંધાવ્યું હતું. શિવલિંગ લાવનાર ભુદેવ મોરબીના ઓધવજી ભટ્ટજીએ પગપાળા કાશી વિશ્વનાથની યાત્રા કરી, અને વળતી વેળાએ હાથે ઉપાડીને શિવલિંગ લાવ્યા હતા. જે મોરબી શહેરના મુખ્ય ઈષ્ટ દેવ તરીકે પૂજાય છે. આ મંદિર ના દ્વાર ઉપર ચાંદીનું વરખ ચડાવેલ છે. અને તે દ્વાર મોરબી સ્ટેટના મહારાજા સર વાઘજી બહાદુર દ્વારા સં. 1975 માં બનવડાવ્યા હતા. કુબેરનાથના મંદિરમાં રોજ દૂધ ચડાવાય છે અને મહાપૂજા પણ કરવામાં આવે છે. વાર તહેવાર ઉપર કોઈ થિમના આધારે રોજે રોજ મંદિરમાં વિવિધ રંગોળી પણ કરવામાં આવે છે. આ સાથે મંદિર એવી જગ્યાએ સ્થાપિત છે જેની બાજુમાં પૌરાણિક વાવ પણ આવેલ છે. તે વાવ પણ કુબેર વાવ તરીકે ઓળખાય છે. કુબેરનાથ મંદિરની બાજુમાં જ યજ્ઞ શાળા આવેલી છે. મંદિરની સાથે જ આ યજ્ઞશાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જે 16 સ્તંભ ઉપર બનેલી છે. સૌરાષ્ટ્રમાં ફક્ત બે જગ્યાએ જ આવી યજ્ઞ શાળા છે. એક જામનગર અને બીજી મોરબીમાં આ પ્રકારની યજ્ઞશાળા સ્થાપિત છે અને તે સરખા માપની યજ્ઞશાળા છે. તેમાં આવેલ હવન કુંડ પણ માપ પ્રમાણે જ બનાવવામાં આવેલ છે. આ 16 સ્તંભના દરેક દેવતા હોય છે અને તે સ્તંભની દરેક પીઠ હોય છે અને તે પીઠના પણ માપ હોય છે તે પ્રમાણેજ આ યજ્ઞશાળા બનાવવામાં આવી છે. આ યજ્ઞશાળા તે સમયના માપ પ્રમાણે 10 હસ્તની છે અને તેના સ્તંભ 9 હસ્તના છે. આ યજ્ઞશાળાને મણિદ્વીપ યજ્ઞશાળા કહેવાય છે. મણિદ્વીપ એટલે જ્યાં સ્વયંમ ભગવતી જગદંબા બિરાજમાન હોય તેને કહેવાય છે. આ યજ્ઞશાળાનું બાંધકામ જામનગરના બ્રાહ્મણ પોપટભાઈ શુક્લા, ગબરુશંકરભાઈ, મહાશંકરભાઈ, શંભુભાઈ શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.