હળવદ-ધ્રાંગધ્રા રાજ પરિવારના પ્રતિનિધી રાજરાણા પ્રહલાદસિંહ ઝાલા સોખડા ખાસ ઉપસ્થિતિ હળવદ : હળવદના ૫૩૩માં સ્થાપનાદિનની હળવદ ખાતે આવેલા અમર મહેલ ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. હળવદ-ધ્રાંગધ્રા રાજ પરિવારના પ્રતિનિધી રાજરાણા પ્રહલાદસિંહજી ઝાલા સોખડા ખાસ ઉપસ્થિતિમાં હળવદના ૫૩૩માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ 'ઉજ્જવલ હળવદ' મહોત્સવ આમ તો આખા હળવદ ગામનો તેમજ હળવદમાં વસવાટ કરતી દરેક જ્ઞાતિ અને જાતી, ધર્મનો છે. તેમજ કોમી એકતા અને ગામના સંપને દર્શાવતો ઐતિહાસિક દિન છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખીને સાદગીપૂર્ણ અને સંક્ષિપ્તમાં ઉજવવામાં આવ્યો હતો. રાજમહેલ ચોક સ્થિત બત્રીસ થંભીમા જે હળથી હળવદ ગામનો પાયો નાખવામાં આવ્યો હતો, એ હળનું પૂજન તેમજ તોરણ વિધાન, ગૌ-પૂજન વિધિ કરી અને રાજરાજેશ્વરી અધ્યાશક્તિ માંના આશિષ પ્રાપ્ત કરી અને શરણેશ્વર દાદાના દર્શન કરવા પ્રયાણ કરવામાં આવ્યું હતું. જ્યાં શરણનાથ મંદિરના હોદેદારો તેમજ સેવકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. હળવદ-ધ્રાંગધ્રાના મહારાજા રાજ જયસિંહજી મેઘરાજસિંહજીએ અમેરિકાથી આ ઉજવણી પ્રસંગે શુભ આશીષ અને શુભેચ્છાઓ પાઠવેલ હતી. આ કાર્યક્રમને હળવદ-ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ, હળવદ યુવા સંગઠન, હળવદ સ્થાપના દિન મહોત્સવ સમિતિ, ઝાલાવાડ પ્રાંત દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.