મોરબી : મોરબી તાલુકાની ત્રાજપર ગ્રામ પંચાયત હેઠળના વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવવા અને 100 ચો.વારના પ્લોટ ફાળવણીની કામગીરી પૂર્ણ થવાનો સમય આપવા મામલે જાગૃત નાગરિક દ્વારા ટીડીઓને રજુઆત કરવામાં આવી છે. મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર માળિયા- વનાળીયા સોસાયટીમાં રહેતા અનિલભાઈ અંબાલીયાએ તાલુકા વિકાસ અધિકારીને રજુઆતમાં જણાવ્યું કે ત્રાજપર ગ્રામ પંચાયતમાં આવતા માળિયા વનાળિયા સોસાયટી, રામદેવનગર સોસાયટી, શક્તિ સોસાયટી, ઉમિયાનગર સોસાયટી તેમજ ભડિયાદ ગામમાં આવતા સુભાષનગર સોસાયટી અને સુભાષનગરથી નઝરબાગ રેલવે સ્ટેશન સુધીના રોડ ઉપર આવેલ તમામ ખાર કુવાના ઢાંકણાં તૂટી ગયેલ હોય જેથી ગટરો ઉભરાવવાની સમસ્યા રહે છે. જે તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. વધુમાં જણાવ્યું હતું કે મોરબી તાલુકાના ભડીયાદ ગામે 34 લાભાર્થીઓના 100 ચો.વારના પ્લોટ માટે જે ઉપવાસ આંદોલન પૂર્ણ કરવા કચેરી તરફથી પત્ર મળ્યો હતો. જેમાં આચારસંહિતા પૂર્ણ થયે કામગીરી હાથ ધરવાનું જણાવાયું હતું. હવે આ કામગીરી કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવશે તે જણાવવામાં આવે.