શિવ કૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા દાંડીના સમર્પણ આશ્રમમાં ઉજવનારા ઉત્સવનું યુ ટ્યુબ પરથી સીધુ પ્રસારણ મોરબી: શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રીના દિવસે 'ગુરુતત્વ' શિર્ષક અંતર્ગત વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે શ્રી શિવકૃપાનંદ સ્વામી તેમના ગહન ધ્યાન અનુષ્ઠાનમાંથી બહાર આવી તમામ ભાવિકોને સંબોધન કરશે. ગુજરાતના દાંડી ખાતે આવેલા સમર્પણ આશ્રમમાં આ ઉત્સવ શિવરાત્રીને દિવસે સવારે પાંચ વાગ્યેથી ઉજવવામાં આવશે. આ સત્રની શરૂઆત મૌન ધ્યાનથી થશે. ત્યારબાદ પૂજ્ય સ્વામીજીનું પ્રવચન અને ભાવપૂર્ણ ભજન સાથે પાદુકા નમનનો કાર્યક્રમ યોજાયો છે.. મહાશિવરાત્રી ઉત્સવને લગતા તમામ અપડેટ નિયમિત રૂપે ફેસબુક અને ઇંસ્ટાગ્રામ પર @ગુરુતત્વ પર પોસ્ટ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, શ્રી શિવ કૃપાનંદ સ્વામી એક પ્રબુદ્ધ યોગી છે. નાનપણથી જ તેઓ પરમ સત્યની શોધમાં લાગ્યા હતા. હિમાલયમાં જીવનના 16 વર્ષ વિતાવ્યા બાદ ધ્યાન સાધના કરી અને વિવિધ શ્રદ્ધેય હિમાલિયન ગુરુઓ સમીપે તેઓએ જ્ઞાન ગ્રહણ કર્યું હતું અને ૧૯૯૪માં સમર્પણ ધ્યાન યોગની શરૂઆત કરી હતી. આશરે ૮૦૦ વર્ષ પૌરાણિક હિમાલિયન ધ્યાનના જ્ઞાનને તેઓ સમગ્ર વિશ્વમાં વિનામૂલ્યે પ્રસારિત કરી રહ્યા છે. 'ગુરુત્વ' એક એવું વૈશ્વિક પ્લેટફોર્મ છે જે જીવનના તમામ ક્ષેત્રમાં માનવીના સર્વાંગી વિકાસ માટે સતત કામ કરે છે. ત્યારે હિમાલિયન યોગી શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની આગેવાનીમાં મહાશિવરાત્રીના પર્વ પર શિવ તત્વ અને કૈલાસની દિવ્ય ઉર્જાનો અનુભવ કરવામાં મદદરૂપ થવા માટે 'ગુરુતત્વ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં જોડાવા માટે શિવ કૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના સંચાલક અંબરીશ મોડકે ભાવિકોને શ્રધેય આમંત્રણ પાઠવ્યું છે.