જીવન બહુમૂલ્ય છે, તેને તમાકુની ધ્રુમસેરમાં બરબાદ ન કરો - સ્વસ્થ જિંદગી પસંદ કરો, તમાકું નહીં મોરબી: में जिंदगी का साथ निभाता चला गया, हर फिक्र को धुंए में उड़ाता चला गया.. વર્ષો પહેલા દેવાનંદની હમ દોનો ફિલ્મમાં મોહમ્મદ રફીએ ગાયેલું આ ગીત ખૂબ લોકપ્રિય થયું હતું. અલબત્ત આવા ફિલ્મી ગીતો અને ઘણી ફિલ્મોના અમુક દ્રશ્યોમાં સિગારેટના કશ ખેંચતા હીરો કે વિલનના પ્રભાવમાં આવીને યુવાવર્ગ ધુમ્રપાનના રવાડે ચડતા હોય છે. જે આગળ જતા સ્વાસ્થ્ય સંબંધી તકલીફો અને આર્થિક નુકશાન સિવાય કશું જ સકારાત્મક પરિણામ નથી આપતા. તમાકુની વિધવંશક અસરો સામે લોકજાગૃતિ આણવા વિશ્વમાં સંગઠિત રીતે પ્રયાસો ચાલે છે. જે અંતર્ગત આવતીકાલે 10 માર્ચના રોજ ‘ધુમ્રપાન નિષેધ દિવસ’ ઉજવવામાં આવનાર છે. દર વર્ષે માર્ચ મહીનાના બીજા બુધવારે આ દિવસ મનાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ સૌને ધુમ્રપાનની નકારાત્મક અસરો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. સન ૧૯૮૪ થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઇ હતી. ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે સર્વવિદિત છે. એક અંદાજ મુજબ ધુમ્રપાનનો શિકાર ૧૨થી ૧૭ વર્ષની વયના સગીરો વધુ થાય છે. ક્યારેક કઈક નવું કરવાની તાલાવેલી, જિજ્ઞાસા અથવા અન્ય કરતાં પોતે મોટા છે એવું સાબિત કરવાની લાલસા આની પાછળ કારણભૂત હોય છે. સગીર વયે વ્યક્તિ ધુમ્રપાનનો આદિ થાય છે જે આગળ જતાં જીવનભર બીડી-સિગારેટનો ગુલામ બનીને રહી જાય છે. ધુમ્રપાન નિષેધ અંગે જનજાગૃતિ કેળવાય એ હેતુથી આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે. જો કે, ખરેખર તો આવા માદક પદાર્થોના નિષેધ માટે કોઈ પણ નિશ્ચિત્ત દિવસ હોતો નથી. કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે. બસ આ માટે જે તે વ્યક્તિએ પોતાનું મન મક્કમ કરવાની આવશ્યક્તા છે. ધુમ્રપાનની ખરાબ અસરની શરૂઆત મુખ્યત્વે ઉધરસ અને ગાળામાં બળતરાની સાથે આરંભાય છે અને સમય જતાં તે હદયરોગ, શ્વાસનળીનો સોજો, ન્યુમોનિયા સ્ટ્રોક અને ઘણા પ્રકારના કેન્સર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ નિષ્પન્ન કરે છે. જેમાં સૌથી ગંભીર અને વધુમાં વધુ જોવા મળતી સમસ્યા ઓરલ કેન્સર (મોઢાનું કેન્સર) છે. હાલની કોરોનાકાળની કપરી પરિસ્થતિતમાં જ્યારે દરેક જગ્યાએ ઇમ્યુનિટી પાવર વધારવાની ચર્ચાઓ ચાલી રહી છે અને તેના માટે યોગ્ય દવાઓ પણ શોધાઈ રહી છે ત્યારે દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જ રહ્યું. જો ધુમ્રપાન જેવી આદતો હશે તો તે ફેફસા માટે હાનિકારક બનશે અને તેનાથી મૃત્યુ પણ નીપજી શકે છે. ભારત જેવા દેશમાં જ્યાં તમાકુ, સીગારેટના 80 ટકા પેકિંગના ભાગ પર તેનો ઉપભોગ કર્યા પછીના પરિણામો દર્શાવેલ હોય છે. કોઈ ફિલ્મ દર્શાવતા પહેલા પણ વ્યસન નિષેધ જાગૃતિના વિજ્ઞાપનો દર્શાવાય છે છતાં પણ દેશમાં મોટા ભાગે લોકો કોઈને કોઈ વ્યસનનો શિકાર થતા રહે છે એ આઘાતની વાત છે. ધુમ્રપાનની સમસ્યા મુખ્યત્વે મેટ્રો સિટીમાં વધારે જોવા મળે છે. તેની પાછળ મેટ્રો સિટિનું વ્યસ્ત જીવન, સતત ચાલતું અને દોડધામ કરતું શરીર અને મનને લાગતો માનસિક થાક જવબદાર છે. વધતી જતી હરિફાઈમાં વ્યક્તિ પર સતતને સતત કામનું દબાણ રહેવાનું એ સ્વાભાવિક છે પરંતુ તેના કારણે માદક દ્રવ્યોના સેવનનું આદિ થઇ જવું એ કોઈ સમસ્યાનો હલ નથી. અલબત્ત ગ્રામ્ય વિસ્તારોમાં પણ બીડી અને હુક્કા-ચીલમનું વ્યસન હજુ પણ ઘણા વયસ્કોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ધુમ્રપાનની આદત છોડવા માટે વ્યક્તિએ સૌ પ્રથમ મક્કમ નિર્ધાર કરવો પડશે. જેના માટે એકાગ્રતા તેમજ ચિત્તની શક્તિ અને મક્કમ મનોબળની આવશ્યકતા છે. આ શક્તિ ધ્યાન, પ્રાણાયામ અને યોગથી શક્ય બની શકે છે. ધુમ્રપાન સહિત તમામ વ્યસનોનો ત્યાગ કરીએ અને અમૂલ્ય માનવ જીવન સંપૂર્ણ નિરોગી રહીને વ્યતીત કરીયે. સંકલન : મિત્તલ ખેતાણી (મો. 9824221999)