વાંકાનેર: વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા માત્ર ૮ વરસના શિવભક્ત દશનામી બાળક દ્વારા ગવાયેલ શિવતાંડવ સ્તોત્રમ શિવરાત્રીના પાવન દિવસે યુ ટ્યુબ પર રજૂ થવા જઈ રહ્યું છે. વાંકાનેરની ભાટિયા સોસાયટી લાતીપ્લોટમાં રહેતા કલ્પેશગીરી ગૌસ્વામીના 8 વર્ષીય પુત્ર દેવગીરી ગૌસ્વામીએ દાદીમાં જમકુંરબેનની પ્રેરણાથી લૉકડાઉનના સમયનો સદઉપયોગ કરી સમગ્ર શિવતાંડવ સ્ત્રોતમ કે જેના ઉચ્ચારણ મોટી ઉંમરના લોકો માટે પણ બોલવા અઘરા પડે તેને સ્વરબદ્ધ કર્યું છે. શિવ તાંડવ સ્રોતમનો તૈયાર કરેલ ઓડિયો પર સ્વયં અભિનય કરીને બનાવેલ વિડિયોઆ શિવરાત્રી ઉપર યૂ ટ્યુબ ચેનલ પાયલ ઓડિયો પર રીલિઝ થવા જઈ રહ્યો છે. રમવાની અને ધીંગામસ્તીની ઉંમરે 8 વર્ષીય દેવગીરીમાં ધાર્મિકતાના મૂળિયા પરિવારના વાતાવરણ અને દાદીમાની પ્રેરણાથી વધુ ઊંડા ઉતર્યા છે. માતા કીર્તિબેન અને કાકા હિતેશભાઈ ગૌસ્વામી તરફથી ગાયનની તાલીમ મેળવી રહેલા માસ્ટર દેવગીરીએ સમગ્ર શિવ તાંડવ, મૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર, બાર જ્યોતર્લિંગ, હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક શ્લોકો કંઠસ્થ કર્યા છે. દેવગીરીના કાકા હિતેશભાઈ મોદી સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કાર્યરત છે. પરિવાર, મોસાળપક્ષ, કુટુંબ તથા સમગ્ર દશનામ જ્ઞાતિ દેવગીરીના ભક્તિભાવથી ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.