સાંકડા આંતરિક માર્ગ પણ કારણભૂત : કાયમી ઉકેલ જરૂરી વાંકાનેર : શહેરની મુખ્ય બજારમાં દિવસ દરમ્યાન અનેકવાર ટ્રાફિક જામ થઈ જાય છે. લાંબા સમયની આ સમસ્યાનો ઉકેલ શોધી કાયમી નિવારણ કરવું અનિવાર્ય છે. વાંકાનેર શહેરમાં આમ તો ગમે ત્યારે ગમે તે સ્થળે ટ્રાફિક જામ થઈ જાય છે. ખાસ કરીને મુખ્ય બજારમાં દિવસ દરમ્યાન અનેક વાર ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળે છે. માર્કેટ ચોકથી ચાવડી ચોક અને ચાવડી ચોકથી મુખ્ય બજાર તરફનાં માર્ગ પર અનેકવાર ટ્રાફિક જામ થાય છે. વાહનો સામસામે આવી જાય છે, એકપણ ફોર વ્હીલર બજારમાં પ્રવેશે તો પણ ઘણી વખત ટ્રાફિક જામ થઈ જાય છે. સતત વાહનોથી ધમધમતો માર્ગ હોય ટ્રાફિક જામ થતાં જ મુખ્ય બજારમાં વાહનોની કતાર લાગી જાય છે. વાંકાનેરમાં આ સમસ્યા લાંબા સમયથી છે. આ મુદ્દે અગાઉ યોજાયેલ લોક દરબારમાં અનેકવાર રજૂઆતો પણ થઈ છે. ગઢની રાંગ પાસે પાર્કિંગ વ્યવસ્થાનાં પણ સૂચનો કરાયા હતાં. પરંતુ હજુ સુધી આ સમસ્યાનું ઠોસ નિવારણ થયું નથી. જોકે, આ સમસ્યાનાં મૂળમાં મુખ્ય બજારનો સાંકડો માર્ગ પણ કારણભૂત મનાય છે. તેમ છતાં આ કાયમી બની ગયેલ સમસ્યાનું નિવારણ પણ જરૂરી છે ત્યારે આ મુદ્દે વાંકાનેર નગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઉકેલ શોધી કાયમી પણે ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે.