1468 ખેડૂતો, 143 વેપારી અને 35 સહકારી મતદારો નક્કી કરશે નવા સુકાની : 16 બેઠકો માટે જંગ જામશે મોરબી : વાર્ષિક 1000 કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતા મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થઈ છે. નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે અંતર્ગત આગામી 31 માર્ચે ચૂંટણી યોજાશે અને 16મીથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થશે અને જો ચૂંટણી થાય તો 1 એપ્રિલે મતગણતરી થશે. જો કે, વર્તમાન સ્થિતિ જોતા એપીએમસી મોરબી બિનહરીફ થવાને બદલે ચૂંટણી યોજવાના સંકેતો મળી રહ્યા છે. વર્ષોથી મોરબી માર્કેટિંગ યાર્ડ ઉપર કેસરિયા બ્રિગેડનો કબ્જો છે, 1468 ખેડૂત મતદાર,143 વેપારી મતદાર અને 35 સહકારી મત ધરાવતા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની 10, વેપારીઓની 4 અને સહકારીક્ષેત્રની 2 બેઠકો આવેલી છે અને આ તમામ 16 બેઠકો માટે ચૂંટણી યોજવા રાજ્યના નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે જાહેર થયેલા કાર્યક્રમ મુજબ તા.16 માર્ચથી ઉમેદવારીપત્રો ભરી શકાશે,જેની ચકાસણી તા.17ના રોજ થશે જયારે 20 માર્ચ સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવા મુદત નિયત કરવામાં આવી છે અને 31 માર્ચના રોજ ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કરવામાં આવશે જેનું પરિણામ તા.1 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષે સવાસો કરોડ જેટલું ટર્ન ઓવર ધરાવતા મોરબી માર્કેટિંગયાર્ડમાં મોટાભાગે બિનહરીફ શાસકો ચૂંટાઈ આવે છે. પરંતુ પ્રવર્તમાન સ્થિતિ જોતા માર્કેટિંગયાર્ડમાં સતા મળે કે ન મળે પરંતુ હરીફ જૂથ દ્વારા ઉમેદવારો મેદાનમાં ઉતારાય તેવી શક્યતા જોવાઈ રહી છે અને ચૂંટણી યોજાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.