વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાંચમો સમૂહલગ્ન સંપન્ન દીકરીઓને દાતાના સહયોગથી સોના-ચાંદીના દાગીના સહિતની 79 ઘરવખરીની ચીજવસ્તુઓ ભેટમાં અપાઈ મોરબી : મોરબીમાં અકાળે વિધવા થયેલી અને આર્થિક રીતે પછાત વંચિત બહેનોની દીકરીઓના ધામધૂમથી લગ્ન કરવાના અરમાનો સાકાર થાય તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓએ અનુકરણીય પહેલ કરી છે. આ સંસ્થાઓ દ્વારા તાજેતરમાં વિધવા અને વંચિત બહેનોની દીકરીઓના પાંચમા સમૂહલગ્ન ધામધૂમથી યોજાયા હતા. જેમાં સસ્થાઓએ વિધવા અને વંચિત બહેનોની 41 દીકરીઓને પોતાની દીકરી ગણીને આ દીકરીઓના સમૂહલગ્ન કરીને હસીખુશી સાથે સાસરે વળાવી હતી. મોરબીના નવલખી રોડ ઉપર રણછોડનગરમાં આવેલ સાઈ મંદિરે તાજેતરમાં ગુજરાત ઉતકર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ, સાઈ મંદિર રણછોડનગર, ગંગા સ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ કબલ ઓફ મોરબી તથા નઝરબાગ પલ્સ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી, પીજી કોમર્સ કોલેજ, યોગ કેન્દ્ર અને એશો મનન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે વિધવા અને વંચિત બહેનોના દીકરીઓના પાંચમા સમૂહલગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધવા અને વંચિત બહેનોની 41 દીકરીઓના વાજતેગાજતે લગ્ન કરવામાં આવ્યા હતા. આ દીકરીઓને દાતાઓના સહયોગથી કરીયાવરમાં સોના ચાંદીના દાગીના સહિત કુલ 79 જેટલી ઘરવખરીની ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. આ સમૂહલગ્નને સફળ બનાવવા સંસ્થાઓના અગ્રણીઓ દેવકરણભાઈ આદ્રોજા, ચંદ્રકાંતભાઈ દફ્તરી, રમેશભાઇ રૂપાલા, તુષારભાઈ દફ્તરી તેમજ સાઈ મંદિરના મહંત બાબુભાઇ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.