ડીવાયએસપી, ડે. કલેકટર, ડે. ડીડીઓ, શિક્ષિકા, એડવોકેટ, બિઝનેસ વુમન તરીકે દબદબો મોરબી : સીરામીક નગરી મોરબીમાં પણ આજે દરેક ક્ષેત્રે મહિલાઓ પુરુષોની સમોવડી બનીને સમાજમાં મોભાદાર સ્થાન મેળવી રહી છે.ત્યારે આજે આંતરરાષ્ટીય મહિલા દિવસે મોરબીમાં અલગ અકગ ક્ષેત્રે અલગ અલગ પરિસ્થિતિ વચ્ચે આપબળે મહેનતથી સફળતાની ટોચે પહોંચનાર મહિલાઓના સંદેશને અહીં રજૂ કરવામાં આવ્યા છે.જેમાં સનદી અધિકારીઓ, ડોકટર, શિક્ષિકા, વિદ્યાર્થી, એડવોકેટ,બિઝનેસ વુમનનો સમાવેશ દરેકના જીવન અને સંદેશામાં આજની યુવા પેઢીની બહેનો માટે કોઈને કોઈ પ્રોત્સાહક બાબત રહેલી છે. નારી શક્તિ જે ધારે તે કરી શકે.તેવા કેટલા ઉદાહરણો આ મહિલાઓના સંદેશામાં મળી રહે છે.જે અન્યો માટે પ્રેરક બળ બની રહે તેમ છે. પગ 60 ટકા પોલિયોગ્રસ્ત છતાં આપબળે કઠોર મહેનત કરીને જી.એ.એસ.બનીને મોરબીમાં ડે. ડીડીઓ તરીકે ફરજ બજાવતા ઇલાબેન ચૌહાણે મહિલા દિન નિમિતે મહિલાઓની વર્તમાન સ્થિતિ અંગે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે,દરેક ક્ષેત્રે પુરુષની સાથે મહિલાઓ પણ ખંભે ખંભા મિલાવીને કામ કરે છે.પણ હજુ સમાજ પુરુષ પ્રધાન છે.એટલે સમાજની માનસિકતા બદલવાની જરૂર છે.મહિલાઓ માટે સમાજના મૂળ ઢાંચામાં આમુલ પરિવર્તનની જરૂર છે.હાલ જે પરિવર્તન થઈ રહ્યું છે એના કરતાં પણ વધુ પરિવર્તનની જરૂર છે તો જ મહિલાઓને સમાન હક્ક અને ગૌરવ જળવાઈ રહેશે. સમાજમાં મહિલાઓ માટે સામાજિક, શૈક્ષણિક, આર્થીક એમ બધી રીતે પ્રગતિ માટે યોગ્ય પ્રોત્સાહનની જરૂર છે.પોતે પોલિયોગ્રસ્ત હોવા છતાં દ્રઢ મનોબળથી સનદી અધિકારી બન્યા એ રીતે શારીરિક કે સામાજિક ઉણપને પણ કોરાણે મૂકીને મહિલાઓએ મનગમતા ક્ષેત્રે સફળતા મેળવવા સંઘર્ષ કરવો જોઈએ. નિરાશ થયા વગર એક ગોલ નક્કી કરીને સફળતા ન મળે ત્યાં સુધી લડ્યા રહેવું જોઈએ તેવો તેમણે સંદેશ આપ્યો છે. પ્રચંડ આત્મ વિશ્વાસ અને સંઘર્ષ થકી મહિલા પોલીસ અધિકારી બનીને સમગ્ર મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાંભળતા ડીવાયએસપી રાધીકા ભારાઈએ જણાવ્યું હતું કે, આ વખતની ઇન્ટરનેશન વુમન ડેની થીમને દરેકે મહિલાઓએ પડકાર તરીકે ઝીલી લેવી જોઈએ પછી પોતાનામાં રહેલી શક્તિ અને આત્મવિશ્વાસના જોરે આગળ અવવામાં માટે સંઘર્ષ કરવો જોઈએ.દરેક મહિલાએ હું આબળા મહિલા છું હું કઈ નહિ કરી શકું એવું વિચારશે તો ક્યારેય આગળ નહિ આવે.એટલે મહિલા અને અબળા હોવાનો વિચાર જ મનમાંથી કાઢી નાખવાનો.મહિલાઓ પોતાના રહેલી ખામીને દૂર કરીને આગળ વધવું પડશે પહેલા મહિલાઓ આગળ વધવા માટે પોતેજ સંઘર્ષની કેડી કંડારવી પડશે તો બીજા એને મદદ કરવા આગળ આવશે. મોરબીમાં મહિલા એડવોકેટ તરીકે અને રાજકીય ક્ષેત્રે જોડાયેલા કાજલ ચંડીભમરે જણાવ્યું હતું કે, દરેક મહિલાઓ હિંમત અને સત્યનો માર્ગ ક્યારેય છોડવો નહિ.આથી મહિલાઓ જો હિંમત રાખીને સત્યના માર્ગે ચાલશે તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં બહાર નીકળી શકશે.હવેના સમયે દરેક સ્ત્રીને શિક્ષિત થવું ખૂબ જરૂરી છે. મહિલાઓએ અડગ રહીને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરીને આત્મનિભર બનવું જોઈએ, જો કે તેમણે માતા-પિતાની સેવા ખાતર અપરણિત રહ્યા છે. આથી તેમણે પુરુષોની જેમ મહિલાઓને બધી છૂટ મળવી જોઈએ અને મહિલાઓને બંધન મુક્ત કરવી જોઈએ તેવું જણાવ્યું હતું. મોરબી જાગૃત મહિલા ગ્રુપ થકી.મહિલાઓના ઉત્થાનમાં સક્રિય રહી ઘરેલુ કેસોમાં કોર્ટ કચેરીએ ન જવું પડે તે માટે મહિલાઓના પ્રશ્નોનું સમાધાન કરાવી તેમજ મહિલાઓ માટે વિવિધ પ્રવૃતિઓ કરતા મહિલા અગ્રણી વિભાબેન પટેલએ જણાવ્યું હતું કે,આજની મહિલાઓ શિક્ષિત બનીને ઘણી આગળ વધી છે.મહિલાઓ આધુનિક બની છે.પણ મહિલાઓને પોતાના બાળકોનો ઉછેર જાતે જ કરવો જોઈએ. સંતાનોમાં સંસ્કારોનું સિંચન એક મા જ કરી શકે.ઘણી વખત મહિલાઓ ટોચના શિખરે હોય અને ઘરની જવાબદારી વહન ન કરી શકે ત્યારે સંતાનોને સારા સંસ્કાર આપવાનું ભૂલી જવાય છે.એટલે મહિલાઓ ગમે એટલી આધુનિક બને પણ પરિવારની અને ખાસ કરીને સંતાનોને સારા સંસ્કાર આપવાની જવાબદરી ભૂલવી જોઈએ નહીં. મોરબીની કલેકટર કચેરીમાં ફરજ બજાવતા ડે કલેકટર શ્વેતા પટેલે જણાવ્યું હતું કે, હજુ રાજકીય સહિતના જાહેર ક્ષેત્રે મહિલાઓને આગળ આવવા યોગ્ય પ્રોત્સાહન જરૂરી છે.દરેક દીકરીઓને સારી શિક્ષા મળવી જોઈએ મને શિક્ષણ ક્ષેત્રે આગળ આવવા માટે મારા ઘરમાંથી પુરુતું પ્રોત્સાહન મળ્યું હતું જેના કારણે આજે હું ઉચ્ચ હોદા ઉપર બિરાજમાન છું.એવી રીતે દરેક દિકરીઓને ઘરમાંથી યોગ્ય વાતાવરણ મળવું જોઈએ એનાથી દીકરીઓનો આગળ આવવા માટે આત્મવિશ્વાસ વધશે અને સારું પરિણામ લાવશે.