મોરબીના અનેક માતાઓએ સમાજને નવો રાહ ચીંધ્યો ; માતૃશક્તિનું વંદન સાથે સન્માન કરાયું મોરબી : ભારતીય શૈક્ષણિક મૂલ્યો પ્રત્યે સમર્પિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા'માતૃશક્તિ વંદના કાર્યક્રમનું' આયોજન કરાયું હતું. ભારતીય સંસ્કૃતિમાં નારીશક્તિનું અનેરું અને અનોખું મહત્વ છે, વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થાય છે જેના ભાગરૂપે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા 'માતૃ શક્તિ વંદના કાર્યક્રમ' નું આયોજન કરેલ હતું જેમાં ફાતમાબેન ઈસ્માઈલભાઈ ખુરેશી કે જેઓએ પોતાની એકની એક પુત્રી ખુબજ નાની હતી ત્યારે પતિને ગુમાવ્યા હતા પણ હિંમત હાર્યા વગર પેટે પાટા બાંધી,ખુબજ મુશ્કેલીઓ વેઠી દીકરીને બી.કોમ.,એમ.કોમ.,પી.જી.ડી.સી.એ. સુધી ભણાવી, દીકરીને સંસ્કારી હોંશિયાર પરોપકારી અને સમજુ બનાવી અને આજે એ દીકરી સમાજ સુરક્ષા વિભાગમાં એકાઉન્ટ કમ સ્ટોરકીપર તરીકે ફરજ બજાવે છે, સાહેરાબાનુ અનવરખાન પઠાણ જેઓ મુસ્લિમ પરિવારની દિકરી હોવા છતાં સંસ્કૃત વિષયમાં વિષ્ણુ પુરાણ અને ભાગવતમાં રહેલા માનવ મૂલ્યો પર પી.એચ.ડી.કરે છે જેને બી.એ.માં સંસ્કૃત વિષયમાં ચાર ગોલ્ડ મેડલ મળેલ છે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સન્માનિત કરેલ છે, એ જ રીતે દુર્ગાબેન નરેન્દ્રભાઈ કૈલા કે જેમની દીકરીને પહેલા ધોરણમાં પ્રવેશ અપાવવા ઘણી બધી શાળામાં જાય છે પણ દીકરી મનોદિવ્યાંગ હોય કોઈ શાળામાં પ્રવેશ મળતો ન હોય મોરબીમાં દિવ્યાંગ બાળકોની શાળા ન્હોતી જેથી પોતે જ બે બાળકો સાથે દિવ્યાંગ બાળકોની શાળા શરૂ કરે છે આજે પંદર વર્ષે અનેક દિવ્યાંગ બાળકોને પોતે શિક્ષણ આપ્યું છે, ઉપરાંત ભાવનાબેન બાબુભાઈ સવાડિયા તેમના પતિનું સોળ વર્ષ પહેલાં અવસાન થતાં એમના માથે જાણે આભ તૂટ્યા જેવી પરિસ્થિતિ થઈ એમના માથે ત્રણ પુત્રી અને એક પુત્રના પાલન પોષણની જવાબદારી આવી પણ તેઓ હિંમત હાર્યા નહિં નાના મોટા કામ કરી,મજુરી કરી, સિલાઈ કામ કર્યું ખૂબ સંઘર્ષ કર્યો બાળકોને ઉછેર્યા ભણાવ્યા ગણાવ્યા પગભર કર્યા આજે પોતે દુકાન ચલાવે છે. ધરતીબેન એ.બરાસરા પોતે બંને પગે દિવ્યાંગ હોવા છતાં ઘરના ખુણામાં બેસી રહેવાના બદલે આદર્શ માતા કસોટી, યુવા જ્ઞાનોત્સવ જેવા સામાજિક પ્રકલ્પોમાં અદકેરું યોગદાન આપે છે,હેલ્ધી ફૂડ કોમ્પિટિશન જેવી ઇવેન્ટનું આયોજન કરે છે, રંજનબેન ધીરુભાઈ મકવાણા દશ વર્ષ પહેલા પતિનું મૃત્યુ થતા એમના ઉપર વ્રજઘાત થયો છ માસની દીકરી હતી છતાં હિંમતે મર્દા તો મદદે ખુદા ને જીવનમંત્ર બનાવી સંઘર્ષ કરી દીકરીને ઉછેરી પોતે પણ અભ્યાસ કર્યો પગભ5 બન્યા આજે તેઓ સમાજ સુરક્ષા વિભાગમાં પ્રોબેશન ઓફિસર સોશિયલ મોબાઈલઝર તેમજ એલઆઈસીના એજન્ટ તરીકે ફરજ બજાવે છે. દક્ષાબેન અમુભાઈ કગથરા જેમને કેન્સર જેવી ભયંકર બીમારી થઈ કિમો થેરાપી જેવી કષ્ટદાયક સારવાર કરી કેન્સરને માત આપી આજે તેઓ ખાખરા,જાતજાતના અથાણા,થેપલા,હાંડવો, ચોરાફળી વગેરે ખાદ્યચીજો બનાવી વેચાણ કરે છે, ભાવનાબેન ગોરધનભાઈ પરમાર જેમના પાંચ વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા તેમનું મૂળ વતન અમદાવાદ છે પણ મોરબી સાસરે આવ્યા હોય છૂટાછેડા બાદ પિયરમાં જવાના બદલે અહીંજ ભાડે ઘર રાખીને રહયા પાંચ વર્ષની દીકરીનો ઉછેર કર્યો મહિલા ટ્રાફિક બ્રિગેડમાં ટી.આર.બી. તરીકે ફરજ બજાવે છે જ્યારે ફરજ પર દશ વર્ષની દીકરી સાથે હોય ત્યારે ફરજની સાથે નવરાશની પળોમાં દીકરીને અભ્યાસ પણ કરાવે છે. આવા જ એક માતૃશક્તિના ઉદાહરણ કિરણબેન વિજયભાઈ દવે છેલ્લા નવ વર્ષથી એમના પતિને પેરાલિસિસ થયેલ હોય પતિદેવની સેવા સુશ્રાની સાથે સાથે ઝૂંપડપટ્ટીમાં વસતા કારખાના રહેતા સલ્મ વિસ્તારના બાળકો કે જે શાળાથી વંચિત છે જેઓ શાળામાં દાખલ નથી થયા એવા બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરે છે, પૂજાબેન ચંદુભાઈ વૈષ્નાણી જેઓ હાલ કલાસ - 2 રાજ્ય વેરા અધિકારી તરીકે ફરજ બજાવે છે જેઓ ખુબજ તેજસ્વી હોય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જેનું સન્માન થયેલ છે હંસાબેન મહાદેવભાઈ રંગપડીયા જેમને આંગણવાડી કાર્યકર તરીકે ઉત્તમ કામગીરી કરવા બદલ સરકાર દ્વારા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ તેમજ બસો જેટલા સખી મંડળો ચાલુ કરી બહેનોને પગભર બનાવવાની કામગીરી કરેલ છે,છેલ્લા સાત વર્ષથી બાળ સંસ્કાર કેન્દ્રનું સંચાલન કરી નાના બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે વગેરે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર અને સંઘર્ષ કરી સ્વબળે આગળ વધી આત્મનિર્ભરતા પ્રાપ્ત કરનાર તેમજ સામાજિક સેવામાં યોગદાન આપી અન્ય માટે પ્રેરણારૂપ બનેલ માતૃ શક્તિને સન્માનપત્ર અને પુસ્તક આપી સન્માનિત કરાયા હતા. સમાજમાં વિશિષ્ટ પ્રદાન માટે ઉદાહરણ રૂપ કામગીરી કરનાર મુઠી ઉચેરી માતાઓના સન્માન પ્રસંગે ડો.પૂર્ણિમાબેન ભાડેસીયા, જાણીતા તબીબ મંજુલાબેન દેત્રોજા, અગ્રણી રાજકીય અગ્રણી કાજલબેન ચંડીભ્રમર, જાણીતા વકીલ રમેશભાઈ મેરજા ડેપ્યુટી કલેકટર નડિયાદ વગેરેએ શબ્દપુષ્પ દ્વારા સંબોધિત કરી નારી રત્નોના જીવન કવનનું વર્ણન કરીને માતૃશક્તિને પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યુ હતું, કાર્યક્રમને સફળ બનાવવા વીણાબેન દેસાઈ મહિલા અધ્યક્ષ કેતનબેન ભટ્ટ રાજ્ય પ્રતિનિધિ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.