સાયકલો ફિટ કલબ, સિરામિક એસોશિએશન અને આઈએમએના સંયુક્ત ઉપક્રમે યોજાઈ સાયકલ ઇવેન્ટ મોરબી : પેટ્રોલ- ડીઝલના આભે આંબતા ભાવ વચ્ચે હવે શરીર અને ખિસ્સાની તંદુરસ્તી જાળવવા સાયકલ શ્રેષ્ઠ વિકલ્પ છે ત્યારે આજે મોરબી ખાતે સાયકલો ફિટ કલબ, સિરામિક એસોશિએશન અને આઈએમએના સંયુક્ત ઉપક્રમે સાયકલ ઇવેન્ટ યોજાઈ હતી જેમાં 7થી70 વર્ષના 375 લોકો હોંશભેર જોડાયા હતા અને સાયકલિંગ કર્યું હતું. સાયકલો ફિટ કલબ, સિરામિક એસોશિએશ અને આઈએમએના સંયુક્ત ઉપક્રમે આજે મોરબી ખાતે કોઈપણ જાતની રજીસ્ટ્રેશન ફી કે ઇનામ આપવાની જાહેરાત વગર સાયકલ ઇવેન્ટ યોજાઈ હતી જેમાં 7 વર્ષના બાળકથી લઈ 70 વર્ષના 375 વડીલો પણ જોડાયા હતા. આ સાયકલ રેલી જુદા- જુદા ત્રણ પાર્ટમાં યોજવામાં આવી હતી જેમાં પાંચ કિલોમીટર, દસ કિલોમીટર અને પંદર કિલોમીટર આ ત્રણેય ઇવેન્ટમાં મોરબીના સાયકલીસ્ટ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વધુને વધુ સાયકલનો ઉપયોગ કરવા અન્ય લોકોને પ્રેરણા આપી હતી. આ સાયકલ રેલીને અધિક કલેકટર કેતન જોશી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મોરબી બ્રાન્ચ પ્રમુખ વિજયભાઈ ગઢિયા, સિરામિક એસોસિએશનના મુકેશ કુંડારિયા, નિલેશ જેતપરિયા, વિજય પટેલ, ડો.ભાવેશ થોરિયા,ડો.વિજય ગઢિયા, ડો.ભાડેશીયા, કિરીટ પટેલ, કિશોર ભાલોડિયા અને મનોજ ઓગણજા સહિતના અગ્રણીઓએ ફ્લેગ ઓફ આપવાની સાથે સાયકલ ઇવેન્ટ દરમિયાન સાયકલીસ્ટોનો ઉત્સાહ વધાર્યો હતો.