મોરબી : મોરબીના આર્યાવર્ત શૈક્ષણિક સંકુલમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-રાજકોટ દ્વારા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા કક્ષાનો યોગ અને શેરી રમતોનો તાલીમ વર્ગ યોજાયો હતો. શૈક્ષણિક માધ્યમ થકી શિક્ષકો અને વિદ્યાર્થીઓ યોગ અને શેરી રમતો પ્રત્યે અભિમુખ બને તે આશયથી જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગરની પ્રેરણાથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ મોરબી જિલ્લા અને તાલુકાના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા માળિયા હાઈવે પર લક્ષ્મીનગર ગામ પાસે આવેલ મોરબીની નામાંકિત શૈક્ષણિક સંસ્થા એવી આર્યાવર્ત શૈક્ષણિક સંકુલમાં જિલ્લાના નિશ્ચિત થયેલ પ્રાથમિક શિક્ષકો અને શિક્ષિકાઓ માટે તા. 2 થી 5 માર્ચ દરમ્યાન દિવસ-4નો યોગ અને શેરી રમતોનો ત્રિદિવસીય નિવાસી તાલીમ વર્ગ યોજાયો હતો. આ તાલીમ વર્ગમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-રાજકોટના લેકચરર હેમાંગીબેન તેરૈયાના આયોજન અને માર્ગદર્શન હેઠળ માસ્ટર ટ્રેનર્સ દ્વારા શિક્ષકોને યોગ અને શેરી રમતોની પ્રાયોગિક સમજ અને તાલીમ આપવામાં આવી હતી.