પ્રથમવાર સયુંકત કમાન્ડર કોન્ફરન્સમાં (સેનાની ત્રણેય પાંખ) જવાનો અને જુનિયર કમિશન્ડ અધિકારીઓની ભાગીદારી મોરબી: આજે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડીયા ખાતે સૈન્ય કમાન્ડર્સની કોન્ફરન્સને સંબોધિત કરવા માટે કેવડિયા આવી પહોંચ્યા છે. સૌ પ્રથમ વખત સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સમાં જવાનો અને જુનિયર કમિશન્ડ અધિકારીઓ (JCO)ની ભાગીદારી જોવા મળશે.ગત વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે વાર્ષિક સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સ રદ્દ કરવામાં આવી હતી. આ અગાઉ 2014માં સૌ પ્રથમ વખત CCCની બેઠક યોજાઈ હતી અને તે સમયે જ ત્રણેય સેનાએ દિલ્હીની બહાર સંમેલન યોજવા સૂચન આપ્યું હતું. ત્યારે આજના સંમેલનના ટાઇમિંગને લઈને ખૂબ મહત્વ અપાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયામાં ચાલી રહેલી દેશના સુરક્ષા સેના અધિકારીઓની કોન્ફરન્સને સંબોધન કરવા ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા છે. પ્રધાનમંત્રી કેવડીયા જવા માટે અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચ્યા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે તેમનું સ્વાગત અભિવાદન કરી આવકાર્યા હતા. ભારત અને ચીન પૂર્વીય લદ્દાખમાં આશરે 9 મહિનાના સંઘર્ષ બાદ સ્થિતિ સામાન્ય કરવા પ્રયત્નશીલ છે તેવા સમયે આ બેઠક યોજાઈ રહી છે. પૈંગોગ લેક વિસ્તારમાં એક હિંસક અથડામણ બાદ ગત વર્ષે 5 મેના રોજ ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો હતો. ગુરૂવારે 3 દિવસ માટેની સૈન્ય કમાન્ડર્સની કોન્ફરન્સ (CCC)ની શરૂઆત થઈ હતી. ભારત ચીનના તણાવને હળવો કરવા ચીની સૈન્ય સાથે મંત્રણા કરનાર આ અધિકારીઓ પણ આજે સંમેલનમાં ઉપસ્થિત રહેનાર છે. એનએસએ અજીત ડોભાલ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ એમ.એમ. નરવણે, એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા, નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ તથા સંરક્ષણ મંત્રાલય અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન વડાપ્રધાન ચીન અને પાકિસ્તાનની સરહદે ભારતની તૈયારીઓની સમીક્ષા કરશે તથા સેનાના ત્રણેય અંગોની એકીકૃત કમાન બનાવવા મામલે પ્રગતિની સમીક્ષા કરશે.