ચાર આરોપીની સંડોવણી ખુલી આડાસબંધમાં હત્યા મામલે પત્ની સહિત બે આરોપીઓ હજુ પોલીસની પકડથી દૂર મોરબી : મોરબીના કાંતિનગર ગામે યુવાનની તેની પત્નીએ પ્રેમી સાથે મળીને હત્યા કરીને લાશ જમીનમાં દાટી દીધાના ચકચારી બનાવની પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ આ ધરતા આ યુવાનની હત્યામાં કુલ ચાર વ્યક્તિની સંડોવણી બહાર આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ યુવાનની પત્નીએ કાવતરું ઘડીને તેને બોલાવ્યો હતો. બાદમાં તેના પ્રેમીએ અન્ય બે શખ્સો સાથે મળીને યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ચકચારી હત્યાના બનાવમાં પોલીસે મહિલાના પ્રેમી સહિત બે મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે પત્ની સહિત બે આરોપીઓ હજુ પોલીસની પકડથી દૂર છે. મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતો શૈલેષભાઇ અંગેચણીયા ગત 27 ફ્રેબ્રુઆરીએ ગુમ થયા બાદ તેની કાંતિનગર ગામે જમીનમાં દાટી દીધેલી લાશ મળી આવી હતી. પોલીસની તપાસમાં આ યુવાનની હત્યા થયાનું બહાર આવતા પોલીસે મૃતકના પત્ની યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષભાઇ અંગેચણીયા અને તેના પ્રેમી જુમા સાંજણ માજોઠી સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે બી ડિવિઝન પીઆઇ કોઢિયાએ જણાવ્યું હતું કે, યુવાનની હત્યામાં બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પણ પોલીસને વધુ આરોપીઓની સંડોવણીની શંકા જતા જુમા સાંજણ માજોઠીને ઉઠાવીને સઘન પૂછપરછ કરતા આ બનાવમાં કુલ ચાર આરોપીઓની સંડોવણી બહાર આવી છે. આરોપીઓ જુમાએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, શૈલેષની પત્ની યાસ્મીન ઉર્ફે આરતી પતિનું ઘર છોડીને છેલ્લા એક વર્ષેથી જુમાં સાથે ઘર માંડીને રહેતી હતી. આથી આ બાબતે ઝઘડા થતા બન્નેએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. યાસ્મીન ઉર્ફે આરતીએ કાવતરું ઘડીને 'તારે મને મારવી હોય તો કાંતિનગર ગામે આવ 'તેમ કહીને પતિ શૈલેષને ઉશ્કેર્યો હતો. આથી શૈલેષ કાંતિનગર ગામે ગયો હતો.ત્યારે અગાઉ ઘડેલા પ્લાન મુજબ આરોપી જુમાએ પોતાના સાગરીત શાહરુખ મહેબૂબભાઈ અને જુમાંના બનેવી શોએબ ઇબ્રાહિમભાઈ મળીને ત્રણેયે શૈલેષને કાંતિનગર ગામે પોતાના ડેલામાં જઈને બાંધીને ઢોર માર માર્યો હતો. મારને કારણે રાડો પાડતો હોવાથી શૈલેષના મોઢે ડૂચો મારી દીધો હતો. આ ત્રણેય આરોપીઓ માર મારીને યુવાને ડેલામાં જ બાંધેલી હાલતમાં રાખીને નીકળી ગયા હતા. બાદમાં બીજે દિવસે આવીને જોતા શાલેશનું મોત નીપજ્યું હતું. આથી, પહેલા આરોપીઓએ કારમાં લાશનો નિકાલ કરવાનું વિચાર્યું હતું. પણ ત્યારે ચૂંટણી હોવાથી પોલીસ બંદોબસ્તને કારણે પકડાઈ જશે એવી બીકે ત્રણેય આરોપીઓ લાશને કાંતિનગર ગામે જ જમીનમાં ખાડો ખોદીને દાટી દીધી હતી. હાલ પોલીસે જુમા સાજણ માજોઠી અને સાગરીત શાહરુખ મહેબૂબભાઈની ધરપકડ કરીને અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.