દસેક શખ્સો સામે એસ્ટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેરના માટેલ ગામે દારૂ વેચવાની ના પાડતા આધેડનું દસેક શખ્સો અપહરણ કરીને માર મારી જાતિ પ્રત્યે હડધૂત કર્યોનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે આધેડે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નારણભાઇ છગનભાઇ ચાવડા (ઉવ.૫૧, ધંધો.ખેતી, રે.માટેલ સહકારી મંડળી સામે, તા.વાંકાનેર) એ આરોપીઓ મયાભાઇ કોળી (રે.માથક વાળો) તથા તેની સાથેના અજાણ્યા ચાર માણસો તેમજ કેહર જામા કોળી, બળદેવ કેહર કોળી, જીતુ વશરામ કોળી, છગન હકા કોળી, મહેશ ટીડા કોળી (રે.પાંચેય માટેલ, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૪ ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં માટેલ ગામ પાસે જામસર ચોકડીથી માટેલ જતા કાચા રસ્તા ઉપર આરોપી મયાભાઇ કોળી રે.માથક વાળાએ તેની સાથેના અજાણ્યા ચાર માણસોએ ફરીયાદીએ અગાઉ દારૂ વેચવાની ના પાડેલ હોય જેનો ખાર રાખી ફરીયાદીને સફેદ કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓએ અપહરણ કરી ફરીયાદીને ઢીકા પાટુનો મુંઢ મારમારી સીમ વિસ્તારમાં ઉતારી આરોપી મયાભાઇએ લોખંડના પાઇપ તથા અન્ય ચાર અજાણ્યા માણસોએ ધોકાઓ વડે ફરીયાદીને મારમારી જાતી પ્રત્યે હડધુત કરી જાનથી મારી ખાનવાની ધમકી આપી હતી. તેમજ અન્ય તમામ આરોપીઓએ ફરીયાદીએ અગાઉ પોલીસ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી ગાળો આપી જાતી પ્રત્યે હડધુત કરી ઢીકા પાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આ તમામ આરોપીઓ સામે એટ્રોસીટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.