કારોબારી ચેરમને તરીકે અરવિંદ દુબરીયા અને ઉપપ્રમુખ પદે ઓબીસી સમાજને મળે તેવી શક્યતા ટંકારા : ટંકારા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ જનાદેશ મળ્યા બાદ હવે પ્રમુખ,ઉપ પ્રમુખ,કારોબારી ચેરમેન અને ન્યાયસમિતિના ચેરમેન સહિતના હોદાની ફાળવણી માટે ગતિવિધિ તેજ બની છે. અને આ તમામ હોદ્દાઓમાં જ્ઞાતિના સમીકરણ સચવાય જાય તેવી ગોઠવણ થઇ રહી છે. ટંકારા તાલુકા પંચાયતમાં પ્રથમ ટર્મ માટે પ્રમુખનો તાજ કડવા પાટીદાર સમાજના અગ્રણી અને બે દશકાથી પાયાના પથ્થર અને સંગઠનની જવાબદારી સંભાળતા સાવડી બેઠકના બિન હરીફ સભ્ય પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયાના શિરે મુકાય તેવા સંકેતો મળી રહ્યા છે. તો કારોબારી ચેરમેન તરીકે લેઉવા પાટીદાર સમાજના મિતાણા બેઠકના અરવિંદ દુબરીયાની પસંદગીના અણસાર વચ્ચે ઉપપ્રમુખ પદે OBC માથી ઉમેદવારની પસંદગી થઈ શકે છે. જોકે કપરી કવાયત તો ન્યાય સમિતિના ચેરમેનને લઇ ભારે ચર્ચા ચાલી રહી છે અને નવાજૂની પણ થવાની શક્યતા સેવાઇ રહી છે. આમ,ટંકારા તાલુકા પંચાયત ભાજપે કબજે કર્યા બાદ હવે પ્રમુખ, કારોબારી સમિતિના અધ્યક્ષ અને અન્ય હોદેદારો કોણની કવાયત શરૂ થઈ છે અને પક્ષ દ્વારા તમામ જ્ઞાતિને પ્રતિનિધિત્વ મળે એવો પ્રયાસ હાથ ધરાયા હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.