રમતપ્રેમીઓએ અગાઉ પણ કલેકટરને રજુઆત કરી હતી, જ્યાં સુધી કાર્યક્રમ ચાલશે ત્યાં સુધી રમતવીરોને ઘરે બેસવાનો વારો આવશે મોરબી : મોરબીમાં રાજાશાહી વખતના એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર અવારનવાર યોજાતા કાર્યક્રમથી રમતપ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે. હાલ અહીં કોઈ કાર્યક્રમ માટે પોણા ભાગનું ગ્રાઉન્ડ રોકી દેવામાં આવ્યું હોય જ્યાં સુધી આ કાર્યક્રમ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી ક્રિકેટ સદંતર બંધ જ રહેશે. મોરબીનું એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડ રાજાશાહી વખતનું છે. અહીં દરરોજ ક્રિકેટરસિકો ક્રિકેટ રમવા ઉમટી પડતા હોય છે. આ ઉપરાંત અહીં અનેકવિધ બીજી રમતો પણ રમાતી હોય છે. જે શાળાઓ પાસે પોતાનું ગ્રાઉન્ડ નથી તે તેઓના વિદ્યાર્થીઓને અહીં રમત રમવા માટે લઈ આવતા હોય છે. આ સાથે વોકિંગ કરવા વાળા સ્વાસ્થ્યપ્રેમીઓ પણ અહીં ટહેલતા નજરે પડે છે. ટૂંકમાં આ ગ્રાઉન્ડનો સૌથી શ્રેષ્ઠ જાહેર ઉપયોગ મોરબીવાસીઓ કરી રહ્યા છે. તેવામાં અહીં વારંવાર કાર્યક્રમો યોજીને રમતવીરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ આ મામલે રમતવીરોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. છતાં હાલ અહીં ફરી હસ્તકલા પર્વનો કાર્યક્રમ યોજાનાર હોય પોણા ભાગનું ગ્રાઉન્ડ રોકી લેવામાં આવ્યું છે. જેથી અહીં ક્રિકેટ સહિતની રમતો બંધ થઈ ગઈ છે. જેના કારણે ક્રિકેટપ્રેમીઓ સહિતનાઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.