અબાલવૃદ્ધ સૌ કોઈ ભાગ લઇ શકશે : મોરબી સીરામીક એસોસિએશન તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સયુંકત ઉપક્રમે યોજાશે સાયકલ ઇવેન્ટ મોરબી: ઝડપી થતા જતાં યુગમાં યુવાનોથી લઈને નોકરિયાત વયસ્કો સુધીના લોકો પાસે સ્વાસ્થ્ય માટે સમયનો અભાવ રહેતો હોય છે. ઓછા અંતરના આવાગમન માટે પણ લોકો બાઇક અથવા કારનો ઉપયોગ કરે છે ત્યારે સાયકલનું મહત્વ અને ફાયદાઓ વિસરાવવા લાગ્યા છે. આવા સમયે મોરબીમાં 'સાયક્લો ફિટ કલબ' શરૂ થવા જઈ રહી છે. આ કલબ દ્વારા આવતા રવિવારે તારીખ 7 માર્ચના રોજ એક સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં આગામી તારીખ 07 માર્ચને રવિવારે સવારે અબાલવૃદ્ધ સૌ કોઈ લોકો માટે સાયકલિંગ ઇવેન્ટનું 'સાયક્લો ફિટ કલબ' દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના કોઈપણ ઉંમરના નાગરિકો આ ઈવેન્ટમાં ફ્રી રજીસ્ટ્રેશન કરાવી શકશે. જુદા જુદા ચાર વિભાગમાં આયોજિત આ ઇવેન્ટમાં 5 કિલોમીટર 10 કિલોમીટર, 25 કિલોમીટર અને 50 કિલોમીટરના ચાર વિભાગો રાખવામાં આવ્યા છે. બાપા સિતારામ ચોકથી શરૂ થઈ મોરબીની આજુબાજુના માર્ગો આ સાયકલો ફરશે. અત્યાર સુધીમાં 150 નાગરિકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બાળકો, મહિલાઓ, પુરુષો અને વૃદ્ધ લોકો કે જે ફિઝિકલ સ્વસ્થ હશે તે આમાં ભાગ લઈ શકશે. આ ઇવેન્ટ દરમ્યાન એક મેડિકલ ટિમ, એક પોલીસની ટિમ પણ આ ઈવેન્ટ પૂર્ણ થાય ત્યાં સુધી ઉપસ્થીત રહેશે. મોંઘા થતા જતા પેટ્રોલની સાપેક્ષ સાયકલિંગનો ફાયદો, ટ્રાફિક તેમજ પ્રદુષણ અને સ્વાથ્ય માટેના ફાયદાઓ લોક જાગૃતિ માટેનો આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ છે. આ ઇવેન્ટમાં મોરબી સીરામીક એસોસીએશના પ્રમુખ નિલેશ જેતપરીયા, વિજય ગઢીયા, સહિતના આગેવાનો હાજર રહેશે. સાયક્લો ફિટ કલબ મોરબીમાં ભાગ લેવા ઇચ્છુક લોકો 7600010255 પરથી વધુ માહિતી મેળવી શકે છે. ઇવેન્ટના દિવસે વ્હેલી સવારે ઓન ધ સ્પોટ પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ સાથે જ આ કલબમાં જોઈન્ટ થવા તેમજ ભાગ લેવા કોઈ ફી રાખવામાં આવી નથી તેવું સાયકલો ફિટ કલબ મોરબી દ્વારા જણાવાયું છે. મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયાએ વધુમાં વધુ લોકોને આ ઇવેન્ટમાં ભાગ લ્યે અને શરીર સૌષ્ઠવ જાળવવાના પ્રયાસો આદરે તેવી અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી શહેરના માર્ગો દિવસે દિવસે વધતા વાહનોની સંખ્યાને લઈને સાંકડા થતા જાય છે. વાહનોથી નિષ્પન્ન થતાં પ્રદુષણને લઈને લોકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો લોકોના શરીરમાં ધીમું ઝેર ઠાલવી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી પરિવારોના બજેટ બગડી રહ્યા છે. કસરતના અભાવે યુવાનો મેદસ્વીતાનો સામનો કરવા સાથે ખડતલતા ગુમાવી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં લોકોને મને-કમને પણ સાયકલ ચલાવ્યા વગર છૂટકો જ નથી. અત્યારથી જ સાયકલનો શોખ વિકસાવી તેનો વપરાશ શરૂ કરવાનો શહેરીજનો માટે આ શ્રેષ્ઠ અવસર છે. તો ચાલો.. પેડલ મારવા માટે થઈ જાવ તૈયાર.. રેડી.. સ્ટેડિ... ગો... !!