લાંબા સમય બાદ સતાસ્થાને બિરાજવામાં રુકાવટ ન થાય તે માટે ચૂંટાયેલ સભ્યોને ફાર્મહાઉસમાં મોકલી દેવાયા ! વાંકાનેર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં માળીયા પાલિકાને બાદ કરતા ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયત આઝાદી બાદ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે. જોકે 24 સભ્યોની તાલુકા પંચાયતમાં 13 બેઠકો ભાજપને અને 11 બેઠકો કોંગ્રેસને ફાળે ગઇ છે ત્યારે માત્ર બે બેઠકોની પાતળી બહુમતીથી ભાજપે જીતેલી તાલુકા પંચાયત હાથમાંથી સરકી ન જાય એ માટે એક મહિલા સભ્યના પતિ સહિત 17 લોકોને અજ્ઞાતવાસમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે. સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પંચાયતના ચૂંટણી પરિંણામ ભારતીય જનતા પાર્ટી માટે ખુબ જ ખુશીના અને સમગ્ર જિલ્લામાં અપસેટ સર્જનારા આવ્યા છે ત્યારે માત્ર બે સભ્યોની બહુમતિમાં સતાનો મોઢે આવેલ કોળિયો ન છીનવાઈ જાય તે માટે ભાજપ દ્વારા ખુબજ સાવધાની વર્તવામાં આવી છે. હાલમાં વાંકાનેર ભાજપ તાલુકા પ્રમુખ તેમજ ભાજપના ચૂંટાયેલ સભ્યો સહીત 17 લોકોને રાજકોટ આસપાસના કોઇ ફાર્મ હાઉસમાં સલામત સ્થળે મહેમાન બનાવવામાં આવ્યા છે. જનરલ બોર્ડની પ્રથમ બેઠક મળશે ત્યારે જ હાલમાં અજ્ઞાતવાસમાં રહેલા તમામ સભ્યોને હાજર કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.