મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સમગ્ર રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ જે રીતે ભાજપની જવાબદારી વધી છે ત્યારે સામે પક્ષે એ જ રીતે વિપક્ષની જવાબદારીઓ પણ ઘણી બધી વધી ગઈ છે. મોંઘવારી, બેકારી, કોરોનાકાળ, ડીઝલ-પેટ્રોલ અને ગેસનો ભાવ વધારો, ખેતીના પ્રશ્નો જેવા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ હોવા છતાં જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુક્યો છે. આવનારા દિવસોમાં આ તમામ સમસ્યાઓ હલ થશે તેવો આશાવાદ વ્યક્ત કરીને જંગી બહુમતીથી ભાજપને જીતાડયો છે ત્યારે સ્થાનિક નેતાઓ કરતા કેન્દ્રીય નેતૃત્વ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને તેમને નીતિઓને નજર સમક્ષ રાખીને જ મત આપ્યા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. મોરબી જિલ્લાની વાત કરીએ તો માળીયા પાલિકા છોડીને સમગ્ર જગ્યાએ કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. ખાસ કરીને આઝાદી બાદ પહેલી જ વખત વાંકાનેર તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી છે ત્યારે મોરબી અપડેટે સાંસદ, ભાજપ પ્રમુખ, કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ સાથે ખાસ સંવાદ સાધી તેઓની પ્રતિક્રિયા નોંધી હતી. સાંસદ મોહનભાઇ કુંડારીયા મોરબી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા બદલ જિલ્લાની જનતાનો આભાર માનતા સાંસદ કુંડારિયાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીને જ્યારે જંગી બહુમતીથી જનતાએ વિજયી બનાવી છે ત્યારે લોકોની અપેક્ષા અમે સમજી શકીએ છીએ. મોરબી નગરપાલિકા જંગી લીડથી જ્યારે જીતી હોય ત્યારે આવનાર દિવસોમાં મોરબીને ખરા અર્થમાં સૌરાષ્ટ્રનું પેરિસ બનાવવાની અમારી નેમ છે. લોકોએ અમારા ઉપર મુકેલો વિશ્વાસ અને સુશાસનની અપેક્ષા આવનારા પાંચ વર્ષની અંદર પરિપૂર્ણ કરવાનો અમારો સંનિષ્ઠ પ્રયાસ રહેશે. ખાસ કરીને મોરબી શહેરની ભૂગર્ભ ગટરની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા હોય, ટ્રાફિકની સમસ્યા હોય, સ્વચ્છતાની સમસ્યા હોય કે પછી પાણી અને સ્ટ્રીટ લાઈટની સમસ્યા હોય, તે તમામ સ્તરે ડેવલોપમેન્ટનો એક અલગ પ્લાન અમે ઘડી કાઢીશું અને મારી એક પરિકલ્પના છે કે, આ તમામ કાર્યો માટે એક એજન્સી નક્કી કરાય કે જે પંચવર્ષીય યોજનાના ધોરણે સમગ્ર મોરબી શહેરના ડેવલોપમેન્ટ માટે એક યોજના અમોને આપે. જરૂર જણાશે તો વર્લ્ડ બેંકની લોન લઈને પણ અમો મોરબીના વિકાસ કાર્યોને વેગ આપીશું. તાલુકા અને જિલ્લાના ખેડૂતો અને શ્રમિકો તેમજ છેવાડાના માનવીને પણ આ ચૂંટણીમાં ભાજપને ભરપૂર મત આપ્યા છે ત્યારે તેઓ પ્રત્યે પણ અમારી જવાબદારી ખૂબ વધી જાય છે. ખાસ કરીને ખેડૂતોને પાણીનો પ્રશ્ન અને સૌની યોજનાનું જે અધૂરું કામ છે, માઇનર કેનાલોનું બાકી કામ છે એ ત્વરિત પૂર્ણ કરવાનો અમારો મુખ્ય એજન્ડા રહેશે. તમામ યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તે માટે વિજયભાઈ રૂપાણીની સરકાર ભરપૂર પ્રયાસો કરી રહી છે. ખેડૂતો માટે કેન્દ્રની જે પણ સહાય હોય કે યોજના હોય તે સીધી ખેડૂતોને મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. લોકોના ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટેના પ્રયાસો પણ ભારતીય જનતા પાર્ટી કરશે. ફ્રી મેડિકલ સેવા ઉપલબ્ધ બનાવવા માટે અમે ખાસ યોજનાઓથી બનાવી છે તેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે, શૈક્ષણિક ક્ષેત્રના વિકાસ માટે પણ અમારો અમારો પ્રયાસ રહેશે. રાજ્ય સરકારે રજૂ થયેલા બજેટને હું આવકારું છું એમ જણાવી સાંસદે ઉમેર્યું હતું કે, નાણાપ્રધાન નીતિનભાઈ પટેલે જે પ્રકારનું બજેટ આપ્યું છે જેમાં મોરબીના વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટે જે ધન રાશિ નિશ્ચિત કરાઈ છે તે પૂરેપૂરી વપરાય અને યોગ્ય સમયે નિર્ધારિત કરેલા કામો પૂરા થાય તે માટે અમારા પ્રયત્નો રહેશે. મોરબી નગરપાલિકાની અંદર જ્યારે વિરોધ પક્ષોનું નામોનિશાન નથી ત્યારે અમારા તમામ કાઉન્સીલરો સહિત નેતાઓને છકી જવાની જરૂર નથી. વિરોધ પક્ષની ભૂમિકા જનતા પણ નિભાવી શકતી હોય તે અમે જાણીએ છીએ. લોકોના પ્રાણ પ્રશ્નો માટે મારું એક વિઝન છે કે, પ્રબુદ્ધ નાગરિકોની પાંચ સભ્યોની એક કમિટી બનાવવામાં આવે. જે મોરબીના હિત માટે કામ કરે એવું હાલ વિચારણા હેઠળ છે તેવું મોહનભાઇ કુંડારિયાએ પોતાના મંતવ્યના અંતમાં જણાવ્યું હતું. લલિત કગથરા - મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ તંત્રનો બેફામ ઉપયોગ કરીને સામ-દામ-દંડ-ભેદથી આ ચૂંટણી જીતી છે. પોલીસ એટલે ભાજપ, કલેકટર એટલે ભાજપ, તમામ વ્યવસ્થા તંત્ર એટલે ભાજપ તેવા માહોલ વચ્ચે આ ચૂંટણી યોજાઇ હતી. ત્યારે પ્રજાની અમારા પ્રત્યેની અપેક્ષામાં અમો કંઈક અંશે ઊણા ઉતર્યા હોઇએ એવું લાગી રહ્યું છે. માળીયા શહેર વર્ષોથી કોંગ્રેસનો કમિટેડ વોટર રહ્યું છે. એક અર્થમાં કહીએ તો માળિયા તાલુકો કોંગ્રેસનું એક અંગ છે. આથી માળીયાની અંદર કોંગ્રેસનો જવલંત વિજય થયો છે. વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રથમવાર કોંગ્રેસની હાર અંગે લલિત કગથરા જણાવ્યું હતું કે, આઝાદી બાદ પ્રથમવાર કોંગ્રેસે વાંકાનેર તાલુકા પંચાયત ગુમાવી છે. જોકે પૈસાના જોરે અને યેનકેન પ્રકારે ભાજપે અહીં સત્તા હાંસલ કરી હોય તેવું ક્યાંકને ક્યાંક લાગી રહ્યું છે. આમ છતાં મોરબી જિલ્લાના તમામ મતદારોનો આભાર માનું છું. જ્યાં કોંગ્રેસને જીતાડી છે તેમને હું આવકારું છું અને જ્યાં જ્યાં કોંગ્રેસની હાર થઈ છે એ નિર્ણયને પણ હું શિરોમાન્ય રાખું છું અને મતદારોનો આભાર વ્યક્ત કરું છું. હું માનું છું કે તેઓએ ક્યાંકને ક્યાંક અમારા કાર્યમાં અને સંગઠનમાં નબળાઇ જોઈએ હશે જેને અમે આવનારા દિવસોમાં વધુ તાકાતથી સંગઠિત કરીશું અને પ્રજાના પ્રાણ પ્રશ્ન માટે હંમેશા તેમની સાથે ઊભા રહીશું. હળવદ તાલુકામાં હાર વિશે લલિતભાઈએ જણાવ્યું હતું કે, ત્યાં અમારૂ સંગઠન નબળું હતું અને નબળા સંગઠનને કારણે જ અમે ત્યાં સત્તાથી દૂર રહ્યા છીએ. આવનારા દિવસોમાં જે જે તાલુકા મથકોમાં કોંગ્રેસનું સંગઠન નબળું છે ત્યાં સંગઠનને મજબુત બનાવવાનો પ્રયાસ કરીશું. પક્ષ પલટો કરીને ભાજપમાં જઈને ચૂંટાયા હોય તેવા લોકો પાસેથી જનતા શું અપેક્ષા રાખી શકે? અમે લોકોને આશ્વાસન આપીએ છીએ કે આવનારા દિવસોમાં કોંગ્રેસ લોકોની તમામ સમસ્યાઓને ઉચ્ચ લેવલ સુધી પહોંચાડશે અને સમસ્યા નિવારવાનો પ્રયાસ કરશે....