શોર્ટ કટ લેવા માટે ભારે વાહનચાલક વારંવાર ઘુસી જતો હોવાથી સ્થાનિકોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો મોરબી : મોરબીના પટેલ કન્યા છાત્રાલયને જોડતા નાની કેનાલ રોડ ઉપર આવેલી ત્રણેક સોસાયટીના સાંકડા માર્ગ ઉપર વારંવાર હેવી વાહન ઘુસી જવાથી ટ્રાફિક જામ સર્જાઈ છે. જેમાં શોર્ટકટ લેવા માટે ભારે વાહનો વારંવાર ઘુસી જતો હોવાથી સ્થાનિકોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. મોરબીના પટેલ કન્યા છાત્રાલયને જોડતા નાની કેનાલ રોડ ઉપર આવેલી ત્રણેક સોસાયટીના સાંકડા માર્ગ ઉપર બે દિવસ પહેલા કંડલા હાઇવે તરફથી આવતું હેવી વાહન ઘુસી ગયું હતું. આ સોસાયટીના સાંકડા માર્ગ ઉપર હવે કન્ટેનર જેવુ વાહન ઘુસી જવાથી ટ્રાફિકની ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી અને વાહન વ્યવહાર સંદતર ખોરવાઈ ગયો હતો. ટ્રાફિકજામ થવાથી વાહનચાલકો રોષે ભરાઈને આ હેવી વાહનના ચાલકને આડે હાથ લઈને ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક લોકોએ આ બાબતે જણાવ્યું હતું કે આ સોસાયટીનો સાવ સાંકડો માર્ગ છે. ત્યાંથી હેવી વાહન નીકળી શકે એમ જ નથી. જો હેવી વાહન આ રોડ ઉપર આવી જાય તો બીજા નાના વાહનો નીકળી જ ન શકે.આથી હેવી વાહનોને નીકળવાની મનાઈ છે. જો કે આ હેવી વાહનચાલક અગાઉ પણ બેથી ત્રણ વખત ઘુસી ગયો હતો, એને સમજાવા છતાં આ હેવી વાહન ચાલક શોર્ટકટ લેવા માટે ફરી ઘુસી જતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને હેવી વાહનચાલકને કડક ભાષમાં સમજાવીને જવા દેવાયો હતો.