મોરબી : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે તેમાં મોરબી – માળીયા (મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજા ઉત્સાહ ભેર ભાગ લઈ મોરબી પંથકના ખેતી, ઉધ્યોગ, રોજગાર, રસ્તાઓ અંગેના જુદા - જુદા પ્રશ્નો ઉઠાવતા રહે છે. મોરબીને 'સૂર્ય ગુજરાત' યોજનાનો લાભ મળે તે માટે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રી એ મોરબી જીલ્લામાં સોલાર રૂફટોપ અંતર્ગત 1448 ઘર વપરાશના વીજ ગ્રાહકોની એકત્રીત ક્ષમતા 5296 કિલોવોટની રહી હોવાનું જણાવ્યુ હતું. ગરીબોની બેલી એવી “સત્યવાદી હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના' અંગે ઉઠાવેલ પ્રશ્નમાં ૧૨૦ વ્યક્તિઓને રૂ. ૬ લાખ ચૂકવાય ગયાનું જણાવાયું હતું. ખેડૂતોના પાક ખેતરમાં ન બગડે એ માટે કેપીટલ ગોડાઉન પધ્ધતિ અમલમાં છે ત્યારે ખેડૂતોની ચિંતા કરતાં ધારાસભ્યએ પૂછેલું કે મોરબી જીલ્લામાં ૨૫% કેપીટલ ગોડાઉનથી ખેડૂતોને ૮,૩૩,૫૦૦ રૂ. ચુકવ્યા છે. પ૭પ મેટ્રિક ટન જેટલી ખેત નીપજની સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. ખડેપગે લોકોની સુરક્ષા માટે કાર્યરત રહેલા પોલીસના આરોગ્ય ચકાસણી અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મારફત ૨૦૬૮ આરોગ્ય તપાસણી કરાયાનું રાજયગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. મોરબીમાં ખાનગી ઉદ્યોગ દ્વારા રોજગારી મળે તે હેતુસર પૂછાયેલ પ્રશ્નમાં નાના અને મધ્યમ ઉધ્યોગ વધુને વધુ આવે તે માટે માઇક્રો, સ્મોલ, મીડિયમ એકમ ૫૬૫ નવા પ્રસ્થાપિત થતાં ૫૪૬ને રૂ. ૮૫ લાખના સહાયની માહિતી મળી હતી. ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ બજેટમાં મોરબી માટે બજેટમાં સ્માર્ટ જી.આઈ.ડી.સી., નવલખી બંદરની માળખાકીય સુવિધા વધારવા રૂ. ૧૯૨ કરોડની ફાળવણી નવી જેટી બાંધવા કરી, મોરબી - જેતપર અને મોરબી – હળવદ રોડ ફોરલેન કરવા રૂ. ૩૦૯ કરોડ મંજૂર અને મેડિકલ કોલેજ અંતર્ગત હોસ્પિટલ અપગ્રેડ કરવા રૂ. ૫૦ કરોડની ફાળવણી કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને પ્રભારી એવા ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલનો મોરબીની પ્રજા વતી યાદીમાં આભાર પણ માન્યો હતો.