બે વર્ષ પહેલાં બનાવેલું વીજ સબસ્ટેશન હજુ ચાલુ ન કરતા સ્થાનિક ઉદ્યોગકારોમાં રોષ મોરબી : મોરબીમાં વિજતંત્રની ઘોર બેદરકારીનો નાદાર નમૂનો સામે આવ્યો છે. જેમાં મોરબીના ઔધોગિક ઝોન જુના રફાળેશ્વર રોડ ઉપર બે વર્ષ પહેલાં 66 કેવી વીજ સબસ્ટેશન બનાવવામાં આવ્યું હતું. પરંતુ તંત્રની અણઆવડત અને આળસ વૃતિને કારણે આ નવું 66 કેવી વીજ સબસ્ટેશન ઘૂળ ખાઈ રહ્યું છે. બે વર્ષ પહેલાં બનાવેલું વીજ સબસ્ટેશન હજુ ચાલુ ન કરતા સ્થાનિક ઉધોગકારોમાં રોષ વ્યાપી ગયો છે. મોરબીના રફાળેશ્વર ગામ તરફ જતા જુના રફાળેશ્વર રોડ ઉપર સ્થાનિક ઉદ્યોગકારોની માંગણીને ધ્યાને લઈને બે વર્ષ પહેલાં સરકાર દ્વારા 66 કેવીનું નવું વીજ સબસ્ટેશન બનાવવામાં આવ્યું હતું. પરંતુ નવાઈની વાત એ છે કે આ વીજ સબસ્ટેશનને બનાવ્યાને બે વર્ષ વીતી જવા છતાં આ વીજ સબસ્ટેશન હજુ સુધી ચાલુ કરાયું નથી. બે વર્ષથી શોભના ગાંઠિયા સમાન આ વીજ સબસ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે. જો કે આ વીજ સબ સ્ટેશન ચાલુ કરવા અંગે સ્થાનિક ઉદ્યોગકારોએ સંબધિત તંત્રને હદ બહારની રજુઆત કરી છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી. આથી, સ્થાનિક ઉદ્યોગકારો ઉકળી ઉઠ્યા છે. ઉદ્યોગનગરી મોરબી સરકારને કોરોડોનો ટેક્સ ચૂકવે છે અને સરકાર સુવિધાઓ પણ ફાળવે છે. પણ સરકારી તંત્રની આળસ વૃત્તિને કારણે સરકારે ફાળવેલી સુવિધાઓ લોકભોગ્ય બનતી નથી. તેથી, વહેલી તકે તંત્ર શાનમાં સમજીને આ વીજ સબસ્ટેશન ચાલુ કરાવે તેવી ઉધોગકારોએ માંગ ઉઠાવી છે.