લજાઈમાં ગ્રામ્ય મતદારોએ ક્રોસ વોટિંગ કરતા ભાજપના ધ્રુવનગર નરેશ પરાસ્ત થયા ટંકારા : ટંકારા તાલુકા અને જીલ્લા પંચાયત ચુંટણીના જાહેર થયેલ પરીણામમા તાલુકાની બે અને જીલ્લાની એક સહિત ત્રણ બેઠકના પરીણામ ચોંકાવનારા આવ્યા હતા. તો લજાઈ બેઠક પર ભાજપના રાજવી પરીવારના યુવરાજને કોંગ્રેસે 28 મતે મહાત કરી સમગ્ર તાલુકાને ચોંકાવી દીધો હતો. ટંકારા તાલુકામા સ્થાનિક સ્વરાજની ચુંટણીના જાહેર થયેલ પરીણામમા તાલુકા પંચાયતની ટંકારા-1 બેઠકમા રાજકિય ક્ષેત્રના બે બળુકા પક્ષ કોંગ્રેસ અને ભાજપ બન્નેને પછાડી દઈ અપક્ષ ચામિઁબેન ભાવિનભાઈ સેજપાલે 286 મતે જીતી લઈ ભારે અપસેટ સર્જયો હતો. આ બેઠક પર ભાજપ કોંગ્રેસ મુખ્ય પ્રતિસ્પર્ધી હતા. આ બેઠક પર પાટીદાર સામે ઈતરકાર્ડ ચાલી જતા અપસેટ સર્જાયો હતો. તો, તાલુકાની લજાઈ-1 અનુ.જાતિ મહિલા અનામત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ભાજપના પ્રતિસ્પર્ધીને માત્ર પાંચ મતના નજીવા તફાવતથી હરાવતા કોંગ્રેસે બેઠક બચાવી લીધી હતી. લજાઈ-2 બેઠક ઉપર ભાજપે રાજવી પરીવારના ધ્રુવનગર નરેશને ટીકિટ ફાળવી જંગે ઉતાર્યા હતા. પરંતુ ધર્મરાજસિંહ (આનંદ રાજા) ને માત્ર 28 મતે મહાત કરી કોંગ્રેસે અહી અપસેટ સર્જ્યો હતો. બીજી તરફ ટંકારામાં અપક્ષ ઉમેદવાર મેદાન મારી જતા વિજય સરઘસ શહેરના રાજમાર્ગો ઉપર નિકળ્યુ હતુ. આ વખતે છુટા હાથે નગદનારાયણ ઉછળ્યા હતા. લજાઈ બેઠકમા ગામડાના મતદારોએ ક્રોસ વોટીંગ કરી અચરજ સર્જ્યો અત્યાર સુધી રાજકારણમાં એવુ મનાતુ આવ્યુ છે કે, શહેરના મતદારો હોય તો તેઓ અભ્યાસુ હોવાથી ક્રોસ મતદાન સરળતાથી કરી શકે અને આ પ્રયોગ ગામડામા સફળ થતો નથી. પરંતુ ટંકારા તાલુકાની લજાઈ બેઠકે ભારે અચંબો પમાડે એમ ઉલટ સુલટ મતદાન કરી હેરત પમાડયુ હતુ. જેમા, ગામડાના મતદારોએ જીલ્લા પંચાયતમા ભાજપ તરફી મતદાન કરી જી.પં. બેઠક ભાજપને જીતાવી હતી. જીલ્લા પંચાયત નીચે આવતી પાંચ તાલુકા પંચાયત બેઠક પૈકી ચાર તા. પંચાયત બેઠક પર ક્રોસ વોટીંગ કરી કોંગ્રેસ તરફી મતદાન કરી ગામઠી મતદારો પણ પાસા ઉલટ સુલટ કરી શકતા હોવાનુ પ્રમાણ આપ્યુ હતુ.