વાંકાનેર: રાજકારણમાં ચૂંટણી દરમ્યાન પરસ્પર વિરોધી ઉમેદવારોથી લઈને તેમના કાર્યકરો અને સમર્થકો વચ્ચે ઘર્ષણ થતું હોવાના સમાચારો સામાન્ય બન્યા છે ત્યારે વાંકાનેરમાં બે હરીફ પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ખેલદિલી દર્શાવી સાથે નાસ્તા પાણી કરી રાજકીય ખેલદિલી દર્શાવી હતી. ગઈકાલે યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન મતદાન સમયે વાંકાનેર વોર્ડ નંબર 6માં ચૂંટણીના સમરાંગણમાં પરસ્પર વિરોધી એવા બે ઉમેદવારો ભાજપના બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા જે.કે. જાડેજાએ મતદાન કરાવવાની દોડાદોડી વચ્ચે સમય ફાળવી એકસાથે બેસીને એક જ ડિશમાં પીરસાયેલો હળવો નાસ્તો કર્યો હતો. આ હળવી ક્ષણની તસ્વીર કેમેરામાં ક્લિક થઈ ગઈ હતી. અંગત અદાવત અને રાજકીય કાવાદાવા કે વેરઝેર યુક્ત રાજનીતિના સાંપ્રત સમયમાં આ તસવીર ઘણું બધું કહી જાય છે.