કોવિડ-19ની ગાઈડલાઇન્સ જાળવવા જતાં અવ્યવસ્થાને લઈને કોરોના સંક્રમણનો ઝળુંબતો ખતરો: મોરબી: કોવિડ-19ની ગાઈડલાઇન્સના અનુસંધાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માસ્ક, હેન્ડ સેનીટાઇઝર તથા પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ એવા હેન્ડ ગ્લોઝ દરેક મતદાન મથકે બુથ વાઇઝ પુરા પાડવામાં આવ્યા છે. ત્યારે મોરબીના વોર્ડ નંબર 7માં મતદાન કર્યા બાદ ઉપયોગમાં લેવાયેલા હેન્ડ ગ્લોઝ જ્યાં ત્યાં ઉડતા નજરે પડ્યા હતા. જેને લઈને કોરોના સામે લેવાતી સાવચેતીના પગલાંનો ઘજાગરો થયો હતો. મોરબીના વોર્ડ નંબર 7માં આવેલી પોલીસ લાઈનમાં મતદાન મથક પર વપરાયેલા હેન્ડ ગ્લોઝ ભરવા માટેનું ડ્રમ ભરાઈ જતાં મતદારોએ જ્યાં-ત્યાં હેન્ડ ગ્લોઝનો ઉલ્લાળિયો કર્યો હતો. ડ્રમ છલકાઈ ગયા બાદ મતદાન મથકના સ્ટાફને આ ગ્લોઝનો નિકાલ કરવાનું ન સુઝતા ચારોતરફ કચરાના ઢગલા માફક હેન્ડ ગ્લોઝ રઝળતા નજરે પડ્યા હતાં. અત્યંત ચોંકાવનારી કહી શકાય એવી બાબત એ છે કે આ રઝળતા હેન્ડ ગ્લોઝ મારફતે કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે એ જાણવા છતાં ચૂંટણી સ્ટાફે એ પરત્વે ધ્યાન આપ્યું ન હતું. જો કોઈ મતદાર કોરોના સંક્રમિત હોય અને તેને પોતાને પણ તેની જાણ ન હોય ત્યારે આવા રઝળતા હેન્ડ ગ્લોઝથી વાતાવરણમાં વાયરસ ફેલાવાની શકયતા વધી જતી હોય છે.